રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ પાંચ કેસો સામે આવ્યા છે. બે પુરુષને ત્રણ મહિલાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદ શહેરના બોડકદેવ , નવરંગપુરા, ખાડિયા અને દરિયાપુરમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા છે.પાંચ પોઝિટીવ દર્દીઓમાંથી બે દર્દીઓ હાલમાં જ બેંગ્લોરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં હાલ 35 એક્ટિવ કેસો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 656 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 3742 પર પહોંચી છે. શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેરળમાં 128 એક્ટિવ કેસ છે. ત્યારબાદ કર્ણાટકમાં 271, તમિલનાડુમાં 123, મહારાષ્ટ્રમાં 103, ઓડિસામાં 55 અને ગુજરાતમાં 54 એક્ટિવ કેસ હોવાની માહિતી મળી રહી છે. હાલ દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ-ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર અલર્ટ મોડ પર છે.
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.