- અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ઊજવાયો સુશાસન દિવસ,
- પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બર, સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવ્યો
અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય સચિવ રાજ કુમાર દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધિત કરવામાં આવ્યા હતા.
ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. સુશાસન બાબતે વહીવટી તંત્ર તથા નાગરિકોમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરી હોય એવી કચેરીઓને ત્રણ કેટેગરીમાં પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
‘બેસ્ટ’ કેટેગરીમાં પ્રથમ નંબરે અન્ન અને પુરવઠા નિયંત્રકની કચેરીને, બીજા નંબરે ‘ઇમર્જિંગ’ કેટેગરીમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, અસારવાની કચેરીને તથા ત્રીજા ક્રમે ‘એસ્પાઇરિંગ’ કેટેગરીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત અમદાવાદને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયબ નિવાસી અધિક કલેક્ટર હાર્દ શાહના હસ્તે કચેરીના વડાઓને સન્માનિત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં બે માસ દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની જાહેર જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, ઐતિહાસિક જગ્યાઓ તેમજ વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી હતી. સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજોના વર્ગીકરણ અને વધારાની નકામી વસ્તુઓ-સાધનોના નિકાલ જેવી પ્રવૃતિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સ્વચ્છતા અભિયાન -૨૦૨૩ અંતર્ગત સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન રાજય કક્ષાએ યોજાયેલ ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાઈ વિવિધ જિલ્લા કચેરીઓના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.