દરેક ગામના પ્રત્યેક લાભાર્થીને સરકારી યોજનાઓના લાભ મળી રહે એ ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. – શ્રી ભાગવત કરાડ
બનાસકાંઠા જીલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. જેના દ્વારા ગ્રામજનોને ઘરઆંગણે વિવિધ સરકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે. ભારત સરકારના નાણાં રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડની ઉપસ્થિતિમાં વડગામ તાલુકાના જલોતરા અને પાલનપુર તાલુકાના સાસમ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડ એ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ પ્રધામંત્રી બન્યા બાદ દેશની તસવીર અને તકદીર બદલી દીધી છે. તેઓએ રાષ્ટ્રને ભ્રષ્ટાચાર મુકત અને આતંકવાદ મુકત નેતૃત્વ પુરું પાડ્યું છે. ભારત હવે વિકસિત રાષ્ટ્ર બનવા જઇ રહયું છે. એ જ સંકલ્પને લઇને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગામે ગામ રથ સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ જઇને ગ્રામજનોને યોજનાની માહિતી અને લાભો અપાવી રહયા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં વિકાસનું મોડલ બનીને ઉભરી રહયું છે. ભારતમાં પૂર્વોત્તર રાજ્યોનો વિકાસ થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર થવાથી શાંતિની સ્થાપના થઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વિવિધ જન કલ્યાણકારી યજનાઓનો લાભ લઇ રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની શાન વધી છે. તેઓએ ગ્રામજનોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને અન્ય લોકોને અપાવવા માટે અપીલ કરી હતી.
લોકસભા સાંસદશ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે આ યાત્રા થકી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રીશ્રી અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણું રાષ્ટ્ર વિશ્વગુરુ બને અને સૌ સુખી અને સમૃદ્ધ બને એ સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિકાસ માટે લોકોનો સામૂહિક પ્રયાસ જરૂરી છે. આપણે સૌએ એક થઇ પ્રયાસો કરવાના છે.
કેન્દ્રીય મંત્રીશ્રી ભાગવત કરાડે વિવિઘ યોજનાકીય સ્ટોલની મુલાકાત લીધી હતી. જુદી જુદી યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની – મેરી જુબાની’ થીમ હેઠળ પોતાને મળેલ યોજનાના લાભની વાતો કરી હતી.