ભાવનગરના 33 વર્ષીય યુવકનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ
યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ એલર્ટ થયું
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ પગ પેસારો કર્યો છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ભાવનગર શહેરના શિવનગર તળાજા રોડ પર રહેતા 33 વર્ષીય યુવક સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે. સ્વાઈન ફ્લૂના પોઝિટિવ આવેલા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુવકના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.
સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડી શકે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. ત્યારે સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. જો ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ વગેરે જોવા મળે છે. વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ, વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા સહિતના લક્ષણો જોવા મળે છે.