કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ચિંતા વ્યક્ત કરી
રાજ્યો સાથે સંક્રમણ રોકવા સમીક્ષા બેઠક
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 115 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસ એ ફરી એકવાર દેખા દીધી છે. કોરોનાના નવા પ્રકાર JN.1એ લોકોમાં ગભરાટ પણ ફેલાવ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ફરી વધારો થયો છે. તે દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજ્યો સાથે સમીક્ષા બેઠક કરશે. આ મીટિંગ ઓનલાઈન હશે, જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઘણા લોકો હાજર રહેશે.
બેઠકમાં આરોગ્ય સુવિધાઓ અને તૈયારીઓ તેમજ ચેપ અટકાવવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે.
ભારતના કેરળ રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 115 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 1,749 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે, દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1970 પર પહોંચી ગઈ છે. છેલ્લા 9 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
જો કે રાજ્યના આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જનું કહેવું છે કે ચિંતા કરવાની જરૂર નથી.
રાજ્ય સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. આરોગ્ય વિભાગ ચેપનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મંત્રીએ કહ્યું કે ચેપના લક્ષણો દર્શાવતા લોકોની તપાસ કરવા અને જીનોમિક સિક્વન્સિંગ માટે તેમના સેમ્પલ મોકલવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે દિલ્હીમાં ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવા અને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપી છે.