ગુજરાતના રાજકોટમાંથી ખેડૂતોના વિરોધની અનોખી તસવીર સામે આવી રહી છે. ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂત વલ્લભ પટેલે ડુંગળીના નિકાસબંધીનો અનોખો વિરોધ નોંધાવ્યો છે. વલ્લભ પટેલે ખેડૂત આગેવાનો પોતાના ખેતરમાં બોલાવ્યા. તેમની હાજરીમાં જ પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લઈ લીધી છે.
એક ખેડૂતે પોતાના ખેતરમાં પોતાના પાકમાં જ સમાધિ લેતા ચકચાર મચી જવા પામી છે. ડુંગળી પકવતા ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા અને ડુંગળીનો પાક સડી રહ્યો છે. તેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી સૌરાષ્ટ્રના ખેડૂતો રસ્તા પર ડુંગળી વેરી, ગળામાં ડુંગળીના હાર પહેરી અને હવે ડુંગળીમાં સમાધિ લઈને ડુંગળી નિકાસબંધીનો વિરોધ કરી રહ્યા છે.
ડુંગળીની નિકાસ બંધ થવાને કારણે તેના ભાવમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કહે છે કે અમે ડુંગળીના પાકનું વાવેતર ઘણી અપેક્ષાઓ સાથે કર્યું હતું. પરંતુ સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી. માલ ખરીદવાની વાત તો છોડો, વેપારીઓ ડુંગળી તરફ જોવા પણ તૈયાર નથી. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે વિરોધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
ખેડૂતોની એક જ માંગ છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ, જેથી તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકે અને તેમના ખર્ચાઓ પણ પહોંચી શકે. તમને જણાવી દઈએ કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પહેલા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ આશરે 4500 રૂપિયા મળતા હતા. પરંતુ, 8 ડિસેમ્બરે નિકાસ પ્રતિબંધ પછી, ખેડૂતોને હવે માત્ર અડધો ભાવ એટલે કે લગભગ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે.