- વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૦મી જાન્યુઆરીથી કરાવશે
- MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અપાશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ના યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Bhupendra Patel એ આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ અંગે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રીઓ, સર્વ હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિઓ-વડાપ્રધાનઓ-વડઓ અને દેશ-વિદેશનાં CEOSની વિશેષ ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ નો પ્રારંભ થનાર છે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું છે.
આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશન મુખ્યત્વે ઇન્ડસ્ટ્રી ૪.૦ સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન, ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન: ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથ તથા ટ્રાન્ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેઇનેબિલિટીની મુખ્ય વિષય વસ્તુ સાથે યોજાવાની છે. વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે ૯મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે. એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્ડર ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.
વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ને જ્વલંત સફળતા અપાવવાની પ્રતિબદ્ધતા સાથે વિશ્વના દેશો અને ભારતના અન્ય રાજ્યોની પણ સહભાગીતા પ્રેરિત કરવા રોડ-શો તેમજ શ્રેણીબદ્ધ મુલાકાતો યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોર તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓએ પણ અન્ય દેશોમાં મળીને કુલ ૧૧ રાષ્ટ્રોનો પ્રવાસ કરીને ૨૦૦ જેટલી વન-ટુ-વન ફળદાયી બેઠકોનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, દેશના ૧૦ શહેરોમાં રોડ-શો અને ૧૦૦ જેટલી વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, વિવિધ વિષયો પર પ્રિ-વાઇબ્રન્ટ સેમિનાર્સ અને કોન્ફરન્સના આયોજનમાં અત્યાર સુધીમાં ૧૩ પ્રિ-ઇવેન્ટ પૂર્ણ થઈ છે અને વધુ બે ઇવેન્ટ જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે.
તેમજ મુખ્યમંત્રીએ આ ટ્રેડ-શોમાં લોકોની સહભાગિતા વધે તેવો આકર્ષક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું. તદઅનુસાર, સમિટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન MROની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત@૨૦૪૭ માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે. આ ઉપરાંત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર તથા સાંજે ગિફ્ટસિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ યોજાશે.