પાલિતાણા તાલુકાના નાના એવા ગામે રહેતા અને BSF આર્મીમાં ફરજ બજાવતા નવ યુવાને ટ્રેનીંગમાંથી રજામાં પરત ફરી, ગામની શાળાના રૂમમાં રાખેલ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા યુવકના પરિવાર તેમજ ગામમાં ભારે ખળભળાટ સાથે શોક છવાઇ જવા પામ્યો હતો. બનાવ બાદ યુવકને ગંભીર હાલતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પંરતુ ત્યાં પહોંચતા પહેલા જ યુવકે દમ તોડી દિધો હોવાનું તબિબે જણાવ્યું હતું. ઉપરોક્ત ઘટના સંદર્ભે પાલિતાણા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટી પાણીયાળી ગામે રહેતા અને ત્રણ માસ પહેલા જ આર્મીમાં જોડાયેલા અજયભાઇ જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.24)એ પોતાના ગામની સ્કુલમાં ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતક અજયભાઇએ ત્રણ માસ પહેલાં જ આર્મીમાં ફરજમાં હાજર થયા હતા
હાલ ઉતરપ્રદેશના અમેઠી ખાતે આર્મીની ટ્રેનીંગ શરૂ હતી અને ત્યાંથી ગત તા. 11-12-2023ના રોજ રજા લઇ અજયભાઇ તેમના ગામ મોટી પાણીયાળી ખાતે આવ્યા હતા અને ગઇકાલે તેમના ગામની સ્કુલના રૂમમાં જઇ અગમ્યકારણોસર પંખમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.
બનાવ બાદ અજયભાઇને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હોવાનું તબિબે જણાવ્યું હતું. ઘટનાની જાણ પાલિતાણા રૂરલ પોલીસે ઘટના સ્થળે જઇ, કેસ કાગળ હાથ ધરી આગળની કાર્યવાહી કરી હતી. મૃતકના પિતા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, અજયભાઇ જ્યારે રજા લઇને આવ્યા ત્યારથી રાત્રે ગામમાં આવેલ શાળાએ જતા હતા અને સવારે ઘરે આવતા હતા અને અજયભાઇએ ત્યાં શાળામાં રાત્રે ગળાફાંસો ખાધો હતો.