રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવવામાં આવ્યુ છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો છવાશે અને હવામાનમાં વધારે ફેરફાર થાય તેવી આશંકા સેવવામાં આવી નથી રહી.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ બુધવારે બપોરે પોતાની આગાહી જણાવ્યા પ્રમાણે, ‘આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના નથી. આ સાથે રાજ્યના હવામાનમાં પણ વધારે ફેરફાર નહીં થાય.’
આ સાથે તેમણે જણાવ્યુ કે, ‘આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે. જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા હોવાનું જણાવાયું છે.
ડો. મનોરમા મોહન્તીએ વધમાં જણાવ્યુ કે, ‘હાલ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળો પણ બની રહ્યા છે. હાલ ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબીમાં વાદળો બની રહ્યા છે.’
અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવતા કહ્યુ કે, ‘આજે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં 16થી 17 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.’
જોકે, બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને કારણે 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.