અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક લગ્ઝ્યૂઅરિઅસ રેન્જ રોવર ગાડીએ એક બાઈકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ રેન્જ રોવરનો ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના સરોધી નજીક એક યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે વખતે જ પાછળથી પૂરઝડપે આવી રહેલી એક રેન્જ રોવર કારએ બાઈકને ટક્કર મારી હતી. પાછળથી બાઈકને ટક્કર વાગતા જ બાઈક ચાલક હવામાં ફેંકાયો હતો અને બાઈક ચાલક રોડની સાઈડમાં પટકાયો હતો. જેમાં તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અક્સ્માત સર્જ્યા બાદ રેન્જ રોવર કાર ચાલક અકસ્માતની ઘટનાથી આગળ જઈ હાઇવેની સાઈડમાં જ કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો.
રાજ્યમાં અનેક જગ્યાએ પૂરઝડપે દોડતી લગ્ઝ્યૂઅરિઅસ કારોએ અનેક વખત રાહદારીઓ અને નાના વાહન ચાલકોને અડફેટે લીધાના બનાવો બની ચૂક્યા છે.