ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે. વાત જાણે એમ છે કે, રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સતત બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે. આ તરફ હવે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. ઠંડા પવનોના કારણે દિવસે પણ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રવિવારે 15 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. જોકે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.