- 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો છે. આને કહ્યું કે તે અસ્થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિને તેને હટાવવાની સંપૂર્ણ સત્તા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો જલદી પુનઃસ્થાપિત કરવા અને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે.
વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો. CJI DY ચંદ્રચુડે પણ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ભારતમાં જોડાયા પછી તેણે સાર્વભૌમત્વનું તત્વ જાળવી રાખ્યું નથી. આવી સ્થિતિમાં તેના માટે કોઈ વિશેષ જોગવાઈ કરી શકાય નહીં.’ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓ અંગે ચીફ જસ્ટિસે કહ્યું, ‘કેન્દ્રના દરેક નિર્ણયને પડકારી શકાય નહીં, તેનાથી અરાજકતા ફેલાશે.
રાષ્ટ્રપતિને કલમ 370 નાબૂદ કરવાનો અધિકાર છે. તેમને વિધાનસભા ભંગ કરવાનો પણ અધિકાર છે.આ સાથે તેમણે કહ્યું કે ‘અમે માનીએ છીએ કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે. તે વચગાળાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંક્રમણ લક્ષી હેતુ માટે રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે આ કામ ચલાઉ હેતુ માટે હતું. લખાણ વાંચવાથી એ પણ જણાય છે કે આ એક અસ્થાયી જોગવાઈ છે અને આ રીતે તેને બંધારણના ભાગ 21માં મૂકવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની આ બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં ત્રણ અલગ-અલગ ચુકાદા લખવામાં આવ્યા હતા, પરંતુ તમામ ન્યાયાધીશો એક નિષ્કર્ષ પર સહમત છે.