અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર થઇ ગઈ છે. નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, 47 વર્ષીય જતિન શાહ ઈસનપુર સ્થિત સૌજન્ય સોસાયટીમાં રહેતા હતા. આજે સવારે 10 વાગ્યાની આસપાસ પત્ની જગાડવા માટે ગયા, ત્યારે તેમણે જતિન શાહને રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. જતિન શાહના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વેપાર ધંધાના કારણે તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે
અંબાજી મંદિર માટે મોહનથાળનો પ્રસાદ બનાવતી એજન્સી મોહિની કેટરર્સને અમદાવાદના માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાંથી 300 ડબ્બા જેટલું ભેળસેળિયું ઘી સપ્લાય કરવામાં આવ્યું હતુ. જો કે તપાસમાં તે નકલી હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ મોહિની કેટરર્સના સંચાલક તેમજ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહની ધરપકડ કરવામાં આવી હતી.