“અનાથ બાળકોને મા-બાપની હુંફ અને એક સારો પરિવાર આપવાની ઉમદા કામગીરી કરવાનું માધ્યમ આપણે સૌ બનીએ છીએ”- સમાજ સુરક્ષા નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ
ગાંધીનગર: બુધવાર,
સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી, ન્યુ દિલ્હી, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી, સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સી, ગાંધીનગર અને સમાજ સુરક્ષા ખાતુ, ગુજરાત રાજયના સંયુક્ત ઉપક્રમે આજે ગાંધીનગરની જી.એન.એલ.યુ, ગાંધીનગર ખાતે એડોપ્શન રેગ્યુલેશન – ૨૦૨૨ વિષય પર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગને સમાજ સુરક્ષા ખાતાના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સમાજ સુરક્ષા ખાતાના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવે જણાવ્યું હતું કે, અનાથ બાળકોને તેમના જીવનમાં મા-બાપની હુંફ અને એક સારો પરિવાર આપવાની ઉમદા કામગીરી કરવાનું માધ્યમ આપણે સૌ બનીએ છીએ. આ કાર્ય સફળ થવાથી આપણને ફરજ નિષ્ઠા સાથે જીવનમાં સારું કાર્ય કરવાનો સંતોષ અને આનંદ પણ મળે છે.
તેમણે જણાવ્યું હતું કે, એડોપ્શન કરવાની પ્રક્રિયાને વઘુ ઝડપી અને સરળ બનાવવી ખૂબ જરૂરી છે. આ કામગીરીને માત્ર એડોપ્શન કેસની પ્રક્રિયા તરીકે નહિ, પણ કોઇ બાળકના વાલી તરીકે આપણે આ કાર્યને કરવું જોઇએ. તેમજ બાળકને સારા પરિવારની હુંફ આપવા માટે આ પ્રક્રિયા ઝડપથી કરવા અને તેમાં બાધા રૂપ બનતી અમુક નાની નાની બાબતોનો ઉકેલ ઝડપથી લાવવા માટે આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, શિશુગૃહમાં રહેલ લીગલ ફ્રી ચાઈલ્ડને સત્વરે એક સારો પરિવાર સમયમર્યાદામાં મળે એવા ઉમદા ઉદ્દેશ્યો આપણા સૌના હોવા જોઈએ. હાલ એડોપ્શનની પ્રક્રિયા ખુબ જ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારમાં CARING પોર્ટલ ઉપર લીગલ ફ્રી ચાઈલ્ડની તમામ માહિતી ઉપલબ્ધ હોય છે. જેથી બાળકનું એડોપ્શન કરવા ઈચ્છુક માતા-પિતા ખુબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ અંગેની વધુમાં વધુ જાગૃત્તિ અને પ્રક્રિયાની માહિતી સમાજને સરળતાથી મળી રહે તે દિશામાં પણ કામ કરવું ખૂબ જરૂરી છે. તેવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ એક દિવસીય તાલીમ વર્ગમાં સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી, ન્યુ દિલ્હીના વિષય તજજ્ઞ શ્રી સાયમબિન ખાલીદ દ્વારા એડોપ્શન રેગ્યુલેશન – ૨૦૨૨ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ચાઇલ્ડ પ્રોટેકશન સ્પેશિયાલિસ્ટ શ્રી ચારું મકર દ્વારા પણ વિશેષ અને એડોપ્શન કામગીરીને ઝડપી બનાવવામાં મદદરૂપ બને તે વિષયની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને મુઝંવતા વિવિધ પ્રશ્નોના ઉત્તર પણ સરળ શૈલીમાં વિષય દ્વારા આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજ સુરક્ષા ખાતાના નાયબ નિયામક શ્રી એચ.એન.વાળા, રાજયના વિવિઘ જિલ્લાના કલેકટરશ્રીઓ અને પ્રતિનિધિઓ, બાળ સુરક્ષા અધિકારીઓ, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન, ચીફ મેડિકલ ઓફિસરશ્રીઓ, સ્પેશિયાલાઇઝડ એડોપ્શન એજન્સીના મેનેજરશ્રીઓ, સામાજિક કાર્યકરો અને એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા.
જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર.
CMO Gujarat Collector Office Gandhinagar Gujarat Information