- 1070 પશુપાલકે લાઈસન્સ માટે અરજી કરી જેમાંથી ફક્ત 123 મંજૂર થઈ
- 638 અરજીઓ હજુ મ્યુનિ.માં પેન્ડિંગ
અમદાવાદ શહેરમાં પાલતુ ઢોર રાખવા મ્યુનિ.એ બનાવેલી નવી નીતિનો 1 ડિસેમ્બરથી અમલમાં મૂકી છે.. જેમાં લાઈસન્સ તેમજ પશુ રાખવા માટેની માલિકીનીઞ આ જગ્યા ફરજિયાત કરી દેવામાં આવી છે. ખાસકરીને મોટાભાગના પશુપાલકો માટે માલિકીની જગ્યાના દસ્તાવેજ ન હોવાનું ધ્યાને આવ્યું છે. તો કેટલાક પશુપાલકો સરકારી જગ્યા પર પશુ રાખતા હોવાથી તેમને લાઈસન્સ મળવું મુશ્કેલ બની જશે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં 1 લાખ પાલતુ ઢોર છે, પણ જગ્યા ન હોવાથી 1070 પશુપાલકે લાઈસન્સ માટે અરજી કરી છે. જેમાંથી ફક્ત 123 મંજૂર થઈ છે, 309 કોઈ કારણોસર ફગાવી દેવામાં આવી છે. જ્યારે 638 અરજી હજુ મ્યુનિ.માં પેન્ડિંગ છે.
મ્યુનિ.એ પાલતુ પશુઓ રાખવા માટે બનાવેલી નવી નીતિ હેઠળ પશુપાલકે પાલતુ પશુ માટે તેને જરૂરી જગ્યા હોવાનું ફરજિયાત કરવામા આવ્યું છે. આથી મ્યુનિ.એ આ માટે પશુપાલકોને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો જેમાં પશુમાલિકે પશુ માટે લાઈસન્સ મેળવી લેવાનું હતું. અથવા તો તેમના પશુને શહેરની બહાર લઈ જવાના હતા. છેલ્લા 3 મહિનામાં 38 હજારથી વધુ પશુઓને પશુપાલકો શહેર હદની બહાર મોકલી પણ દેવામાં આવ્યાનો અંદાજ છે..
શહેરમાં છેલ્લા 3 મહિનામાં મ્યુનિ.એ રસ્તે રખડતાં 8121 ઢોર પકડ્યા છે. જ્યારે 209 પશુમાલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ કરનાર 33 પશુમાલીકો સામે પણ ગુના નોંધાયા છે.. અત્યાર સુધીમાં 28,700 કિલોગ્રામ ઘાસનો જથ્થો જપ્ત કરાયો છે. તેમજ ગેરકાયદે રીતે ઘાસ વેચનારા 12 લોકો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. કેટલાક પશુ માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે.