તમિલનાડુ સરકાર અને પાંચ જિલ્લા કલેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મદ્રાસ હાઈકોર્ટ મંગળવારે પોતાનો આદેશ સંભળાવશે. રાજ્યમાં કથિત ગેરકાયદે રેતી ખનનની તપાસના સંદર્ભમાં ED દ્વારા કલેક્ટરને જારી કરાયેલા સમન્સને આ અરજી દ્વારા પડકારવામાં આવ્યો છે.
જસ્ટિસ એસએસ સુંદર અને સુંદર મોહનની ડિવિઝન બેન્ચે સોમવારે અરિયાલુર, વેલ્લોર, તંજાવુર, કરુર અને તિરુચિરાપલ્લીના કલેક્ટર્સ વતી રાજ્યના જાહેર વિભાગના સચિવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 28 નવેમ્બર માટે આદેશ અનામત રાખ્યો હતો.
સમન્સ રદ કરવાની માંગ
અરજીમાં EDના સમન્સને રદ કરવાની માંગ કરવામાં આવી છે. ED દ્વારા જારી કરાયેલા સમન્સમાં તેમને તેમના સંબંધિત જિલ્લાઓમાં રેતી ખનનની વિગતો સાથે વિવિધ તારીખો પર રૂબરૂ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે અને ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એઆરએલ સુંદરેસનની વિગતવાર દલીલો સાંભળ્યા બાદ બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો.