સમગ્ર દેશમાં તા.15 નવેમ્બરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારની 17 જેટલી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળી રહે એ આ યાત્રાનો ઉદ્દેશ્ય છે.
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે દાંતા તાલુકાના ગામોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ ફરી રહ્યો છે. આગામી સમયમાં તમામ તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં આ રથ ફરશે. ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના સુચારુ આયોજન માટે અને અત્યારે જ્યાં રથ ફરી રહ્યો છે એની સમીક્ષા માટે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને દરેક તાલુકામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથના રૂટ ગોઠવવા માટે તેમજ જે ગામમાં રથ આવવાનો હોય એના આગળના દિવસોમાં લોકોને ધ્યાને આવે એ માટે યોગ્ય પ્રચાર પ્રસાર કરવા તેમજ ગામમાં વિવિધ યોજનાઓના લાભપાત્ર વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવા જણાવ્યું હતું.
પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે ગામમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનો લાભ સૌને મળી રહે એ માટે અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વયંસેવકોની ટીમ બનાવવા માટે સૂચન કર્યું હતું. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના ઉત્તર ગુજરાત ઝોનના ઇન્ચાર્જશ્રી હરેશભાઈ ચૌધરીએ જે ગામમાં આ રથ આવે એ દિવસે વિવિધ યોજનાઓનો લાભ એ જ દિવસે ગ્રામજનોને મળી રહે અને તમામ યોજનાઓ સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચે એવું આયોજન કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવે એ દિવસે હેલ્થ કેમ્પ તથા સેવાસેતુનું પણ આયોજન કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંઘ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, સંગઠનના મહામંત્રીશ્રી કનુભાઈ વ્યાસ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એ. રાજપુરા, તાલુકાના લાયઝન અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.