પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી આવેલા ૯ જેટલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ આજે ૯ જેટલા અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દબાણના પ્રશ્નો, રોડના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, પાક ધિરાણ, તેમજ રીસર્વેના વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.
જેમાં જિલ્લા સ્વાગતના અરજદારશ્રી મહાદેવભાઇ અમથાભાઈએ જણાવ્યું હતું કે ” હુ રાધનપુર તાલુકાના ભાટિયા ગામનો વતની છું મેં ઘણા સમયથી પાક ધિરાણની લોન લીધેલ હતી અને ફરીથી મારે પાક ધિરાણની લોન લેવાની હતી પરંતુ બેંક મેનેજરની બદલી થઈ જવાના કારણે મને યોગ્ય જવાબ મળતો ન હતો છેલ્લા ત્રણ ચાર મહિનાથી મારો આ પાક ધિરાણનો કેસ ચાલતો હતો ત્યારે આ પ્રશ્નના નિરાકરણ માટે મેં જિલ્લા સ્વાગત અરજી કરી હતી. આ અરજીમાં અનુસંધાનમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા સકારાત્મક ઉકેલ આવતા બેંક દ્વારા પાક ધિરાણની લોન આપવા માટે મંજૂરી આપી છે તે બદલ હું જિલ્લા કલેક્ટરશ્રી તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખુબ ખુબ આભાર માનું છું.
આજે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ નિયામકશ્રી મકવાણા સાહેબ તેમજ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.