સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક પાસે વ્યાસ સિલેક્શનમાં વહેલી સવારે અગમ્ય કારણસર આગ લાગતા આજુબાજુના કોમ્પલેક્ષમાં રહેલી 15થી વધુ દુકાનોમાં આગની ઝપેટમાં આવી હતી. ત્યારે ફાયરને જાણ થતા ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધાંગધ્રા આર્મી તથા સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ, મોરબી સહિતના ફાયરોને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ પંદર જેટલી ફાયરની ગાડી તેમજ આર્મીના જવાનો દ્વારા આગ બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ આગ વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેશન સોપમાં પણ લાગી હતી. આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે આર્મીના 50થી વધુ જવાનો કામે લાગ્યા હતા. વિરમગામથી પણ વધુ ફાયર ફાઈટરો બોલવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, આગ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહી છે. ધ્રાંગધ્રામાં મુખ્ય બજારમાં 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી. આર્મી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભીષણ આગને કારણે એક ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઇ.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, 15થી વધુ ફાયર ફાઈટરો દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગને કાબૂમાં લેતા હજુ સમય લાગશે. સદનસીબે આ આગમાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી. નીચેના માળે આગ પર કાબૂ મેળવાયો છે.