સ્વચ્છતા હી સેવા: બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
રેકર્ડ વર્ગીકરણ અને ભંગાર નિકાલની સાથે ઓફિસમાં સાફ સફાઈ કરવામાં આવી
નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો,પાલનપુર)
દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાલમાં ચાલી રહ્યું છે.
જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીની દેખરેખ અને માર્ગદર્શનમાં કચેરીના તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. ઓફિસના ફર્નિચર, વિવિધ ટેબલ, ખુરશી , પંખા, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી. તેમજ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું હતું. વધુમાં કચેરી ખાતેના ભંગારનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પાલનપુર માહિતી કચેરીમાં હાથ ધરાયેલ સ્વચ્છતા કામગીરીમાં સિનિયર સબ એડિટરશ્રી રેસુંગભાઈ ચૌહાણ, માહિતી મદદનીશશ્રી જીજ્ઞેશભાઈ નાયક, સુપરવાઈઝર ગુલાબસિંહ રાજપૂત, ફેલો મુકેશભાઈ માળી સહિત વર્ગ 4 ના કર્મચારીઓ સફાઈમાં જોડાયા હતા.