પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રૂકુમ પશ્ચિમમાં 35 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે જાજરકોટ જિલ્લામાં 90 થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપ બાદ બચાવ દળ બચાવ કામગીરીમાં લાગેલું છે.
શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેપાળના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. આ સાથે જ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પૂર પ્રભાવિત વિસ્તારોના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. તેમજ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે.
નેપાળની રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાજરકોટ કાઠમંડુથી પશ્ચિમમાં લગભગ 500 કિલોમીટર દૂર છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ કાઠમંડુમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ દરમિયાન લોકો રસ્તા પર ડરી ગયેલા જોવા મળ્યા હતા. એવું કહેવાય છે કે ભૂકંપના કારણે મોટાભાગના મોત રુકુમ પશ્ચિમ અને જાજરકોટમાં થયા છે. મૃતકોની જાણકારી રુકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે.