ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરો- જિલ્લા વિકાસ અધિકારીઓ માટે વર્કશોપ યોજાયો હતો.આઝાદીના 75 વર્ષમાં દેશ અને રાજ્યનો જે વિકાસ થયો છે તેના પરિપ્રેક્ષ્યમાં અમૃતકાળનો એટલે કે આવનારા 25 વર્ષનો વિકાસ રોડ મેપ કેવો હોય તેના વિઝનના મંથન-ચિંતન માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસના દરેક ક્ષેત્રે નંબર વન રહેલું ગુજરાત અમૃતકાળના વિકસિત ભારત@2047ના વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં પણ પોતાના રાજ્યનું વિકાસ વિઝન@2047 તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
નીતિ આયોગના સહયોગથી વિકસિત ગુજરાત@2047 વિઝન ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં કલેક્ટરો-ડી.ડી.ઓ.ના લેખિતમાં મળેલા સુઝાવો-સૂચનોની આ વર્કશોપમાં છણાવટ કરવામાં આવી હતી. રાજ્યના મહેસાણા, વલસાડ, દાહોદ, અને ભાવનગરના જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાના જિલ્લામાં તૈયાર થઈ રહેલા પ્રારંભિક વિઝન ડોક્યુમેન્ટનો સારાંશ પ્રસ્તુત કર્યો હતો
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જિલ્લા સ્તરે-ફિલ્ડમાં કામ કરતા યુવા સનદી અધિકારીઓને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ ‘વિકસિત ભારત@2047’ના વિઝન માટે ‘વિકસિત ગુજરાત@2047’નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું વિઝન રાખવા માટે પ્રેરક આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિકાસના દરેક ક્ષેત્રે નંબર વન રહેલું ગુજરાત અમૃતકાળના વિકસિત ભારત માટે રાજ્યનું વિકાસ વિઝન@2047 તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બને તેવી આપણી નેમ છે.