ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલા જ યુવાઓને બરબાદ કરનાર ડ્રગ્સનો મોટી સંખ્યામાં જથ્થો ઝડપાયો છે.અમદાવાદ-ભરૂચમાં દિવાળી પહેલા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી SOG ક્રાઇમે MD ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે ભરૂચમાંથી પણ 3 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. અવાર નવાર રાજ્યમાં અન્ય રાજ્યમાંથી ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી પોલીસ એલર્ટ બની ગઇ છે.
અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના બાપુનગર વિસ્તારમાંથી એસઓજી ક્રાઇમે 19.41 લાખની કિંમતના 194 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે.
સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂક્સાનાબાનુ ઉર્ફે આઇશા અંસારની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ આપનાર મુંબઇનો વોન્ટેડ આરોપી હોવાનું જાણવા મળે છે.
ભરૂચના વાલિયા ટાઉનમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વાલીયામાંથી સી.આઇ.ડી. ક્રાઇમે દરોડા પાડીને ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડ્યો હતો. 3 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી મળી રહી છે. ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાંથી એક વર્ષમાં 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.