પાડોશી દેશ પાકિસ્તાનના બલુચીસ્તાન પ્રાંતમાં આવેલ 51 શક્તિપીઠ પૈકીના એક એવા શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે નવરાત્રિની અષ્ટમીના પવિત્ર પર્વે અમદાવાદના માઇભક્ત અને માં અંબાના અનન્ય ઉપાસક શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.
જય ભોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર અને શક્તિના પરમ ઉપાસક દીપેશભાઈ પટેલ દ્વારા જગતજનની મા અંબા ને શ્રી યંત્ર અર્પણ કરવામાં આવનાર છે. જે શક્તિપીઠ અંબાજી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદી એમ પંચ ધાતુમાંથી નિર્માણ થનાર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું અને અંદાજીત એક કરોડની કિંમતનું શ્રી યંત્ર અંબાજી શક્તિપીઠમાં મા અંબા ને અર્પણ કરવામાં આવશે.
આ યંત્રના નિર્માણ દરમિયાન દીપેશભાઈ પટેલે અંબાજી સહિતના ભારત અને ભારત બહાર આવેલ 51 શક્તિપીઠ ખાતે આ શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન શ્રી યંત્ર સ્થાપવાનો મનોરથ સેવ્યો હતો. જેને આદ્યશક્તિના આશીર્વાદથી દેશના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં આવેલ શક્તિપીઠ ત્રિપુરા સુંદરી ખાતે એક શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે બીજું શ્રી યંત્ર પાકિસ્તાનમાં આવેલ શકિતપીઠ હિંગળાજ માતાના મંદિરે 22 મી ઓક્ટોબરને નવરાત્રિની આઠમે સ્થાપિત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનના ટ્રસ્ટી ભારત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથેની મુલાકાત દરમિયાન દીપેશભાઈએ આ શ્રી યંત્ર હિંગળાજ માતાના મંદિરે સ્થાપન કરવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી.
દીપેશભાઈની શ્રદ્ધા અને 51 શક્તિપીઠ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થયેલ ટ્રસ્ટી દેવાનીજી એ પણ તેમની આસ્થા અને શ્રદ્ધાની સરાહના કરી તેમના દ્વારા નિર્મિત શ્રી યંત્ર સ્વીકાર્યું હતું. અને નવરાત્રિની આઠમે શક્તિપીઠ હિંગળાજ માતાના ધામે સ્થાપિત કરવાનું કહ્યું હતું. તેમજ આદ્યશક્તિ તેમનો 51 શક્તિપીઠ ખાતે શ્રી યંત્ર સ્થાપિત કરવાનો મનોરથ પૂર્ણ કરે એવા શુભાશિષ પાઠવ્યા હતા.
હિંગળાજ માતાના ટ્રસ્ટી દ્વારા આ શ્રી યંત્રને પૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતા સાથે પાકિસ્તાન, બલુચીસ્તાન લઈ જવામાં આવ્યું હતું. અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આમ ભારતના માઇભક્ત દ્વારા નિર્મિત શ્રીયંત્ર પાકિસ્તાનમાં પૂજાશે જે આદ્યશક્તિ અને 51 શક્તિપીઠમાં શ્રદ્ધા ધરાવતા સૌ કોઈ માઈભક્તો માટે ગૌરવ અને વિશેષ પ્રકારના આનંદની વાત છે.
શક્તિપીઠ હિંગળાજ ખાતે સતિમાતાનું બ્રહ્મરંધ્ર (માથું) પૂજાય છે
હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાંચી થી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીનું એક માનવામાં આવે છે. સતિ માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા સતિ માતાના શરીરના 51 ટુકડા કરવામાં આવ્યા હતા. જેમાંથી અહીં સતિમાતાનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું.
51 પૈકી 2 શક્તિપીઠ ખાતે શ્રી યંત્ર સ્થાપિત થઈ ચૂક્યું છે
દેશના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં આવેલ શક્તિપીઠ ત્રિપુરા સુંદરી ખાતે એક શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે બીજું શ્રી યંત્ર પાકિસ્તાનમાં આવેલ શકિતપીઠ હિંગળાજ માતાના મંદિરે 22 મી ઓક્ટોબરને નવરાત્રિની આઠમે સ્થાપિત કરવામાં આવ્યું છે. તો કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાના ધામ ઊંઝા ખાતે પણ શ્રી યંત્ર સ્થાપન કરવામાં આવ્યું છે.બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીપેશભાઈના સંકલ્પને પૂર્ણ કરવા પૂરતો સાથ સહકાર આપ્યો