સ્પેસ સેક્ટરના સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે સ્વદેશી વિક્રમ-1 રોકેટનું અનાવરણ કર્યું હતું. આવતા વર્ષની શરૂઆતમાં ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવે તેવી અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે સ્કાયરૂટ એરોસ્પેસ ભારતની પ્રથમ રોકેટ લોન્ચિંગ ખાનગી કંપની છે. તેનું મુખ્યાલય હૈદરાબાદમાં છે. આ કંપનીની સ્થાપના ISROના ભૂતપૂર્વ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોએ કરી હતી. તેનો ધ્યેય ખાસ કરીને નાના સેટેલાઇટ માર્કેટ માટે રચાયેલ નાના રોકેટ વિકસાવવા અને લોન્ચ કરવાનો છે.
300 કિલો પેલોડ વહન કરવાની ક્ષમતા
વિક્રમ-1 મલ્ટી-સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લગભગ 300 કિલો પેલોડ મૂકવાની ક્ષમતા ધરાવે છે. વિક્રમ-1 એ ઓલ-કાર્બન-ફાઇબર-બોડી રોકેટ છે જે બહુવિધ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં લોન્ચ કરી શકે છે અને તેમાં 3D-પ્રિન્ટેડ લિક્વિડ એન્જિન છે.
‘અવકાશ ક્ષેત્રમાં ભારત અન્ય દેશોનું નેતૃત્વ કરવાની સ્થિતિમાં’
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત હવે અવકાશ ક્ષેત્રમાં અન્ય દેશોની આગેવાની કરવાની સ્થિતિમાં છે. તેમણે હૈદરાબાદમાં જીએમઆર એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સ્કાયરૂટ એરોસ્પેસના નવા હેડક્વાર્ટર ‘મેક્સ-ક્યુ’નું ઉદ્ઘાટન કર્યું. જીતેન્દ્ર સિંહે 60 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા સ્કાયરૂટ હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી. તેમણે તેને એક છત નીચે દેશની સૌથી મોટી ખાનગી રોકેટ ડેવલપમેન્ટ ફેસિલિટી તરીકે રજૂ કર્યું.
જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આજે આપણે એવી પરિસ્થિતિમાં છીએ જ્યારે ભારતને એવા દેશ તરીકે જોવામાં નથી આવતું જેનું નેતૃત્વ અન્ય દેશો કરે છે. હવે અમે અંતરિક્ષ ક્ષેત્રમાં અન્ય દેશોને નેતૃત્વ આપી રહ્યા છીએ. કેન્દ્રના અવકાશ ક્ષેત્રને નિયંત્રણમુક્ત કરવાના કારણે સ્ટાર્ટઅપ્સને વેગ મળ્યો છે. થોડા જ સમયમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 150 થી વધુ થઈ ગઈ છે.
વિક્રમ-1 સ્કાયરૂટનું બીજું રોકેટ
વિક્રમ-1 સ્કાયરૂટનું બીજું રોકેટ હશે, જેને 2024ની શરૂઆતમાં લોન્ચ કરવાની યોજના છે. વિક્રમ-એસ રોકેટને ગયા વર્ષે 18 નવેમ્બરે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.