“મારી માટી, મારો દેશ”….માટીને નમન…..વીરોને વંદન
કળશની માટી સાથે સૌ નાગરિકોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના પણ બળવત્તર થશે- મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર
લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવા હેતુ આજે મહીસાગર જિલ્લાના કડાણા ખાતેથી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરનાં હસ્તે કળશયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મંત્રી કુબેરભાઈ ડિંડોરએ માતૃભૂમિને વંદન કરી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ “મારી માટી મારો દેશ” અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ સમયે લોકોમાં રાષ્ટ્રભાવના જગાડી તમામ સમાજના લોકોને બંધુત્વની ભાવનાઓથી જોડવાનું કામ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આ કળશની કડાણા માટી સાથે અહીંના નાગરિકોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના પણ આગામી દિવસોમાં દિલ્હી ખાતે એકત્ર થશે તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. મંત્રીએ કડાણા ખાતે માટીના કળશને આવકારી નાગરિકોના હસ્તે અર્પિત માટી લઈ કળશ યાત્રા કરી હતી. આ યાત્રામાં કડાણા તાલુકા વિકાસ અધિકારીશ્રી,સહિત ગ્રામજનો જોડાયા હતા.