બનાસકાંઠાના વિશ્વવિખ્યાત માં અંબાના ધામ માં ભાદરવી પૂનમના મેળા પહેલા મંદિરમાં પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યો હતો
આ સમગ્ર ઘટનામાં મંદિર પ્રશાસન દ્વારા ભેદી મૌન સાધી હજુ સુધી કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી તે બહુ ચર્ચિત બનવા પામ્યું છે
મંદિર પ્રશાસન દ્વારા મોહિની કેટરર્સ ને પ્રસાદ નો કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરી સંતોષ લીધો હતો
પરંતુ મોહિની કેટરર્સ દ્વારા કરાયેલી છેતરપિંડીમાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી
ત્યારબાદ સાબર દૂધ ઉત્પાદક સંઘે નોંધાવેલ ફરિયાદના આધારે અંબાજી પોલીસ દ્વારા મોહિની કેટરર્સ ને ઘી સપ્લાય કરનાર અમદાવાદના માધુપુરા માર્કેટના નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરવામાં આવી
ત્યારબાદ આજરોજ મોહિની કેટરર્સ ના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે
આમ આ મામલે પોલીસ દ્વારા મોહિની કેટરર્સ ના ત્રણ લોકો સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જ્યારે મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદી બનાવવાની કામગીરી હાલ મંદિરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં યોગ્ય સંસ્થાને ટેન્ડર આપી પ્રસાદ બનાવવાની કામગીરી સોંપવામાં આવશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયાર કરવામાં આવી રહેલા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ મામલે નોંધાયેલી ફરિયાદમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં ડ્રેપ્લિકેટ ઘીનો ઉપયોગ કરવામાં આવતા સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને આ અંગે નોંધાયેલી ફરિયાદના 25 દિવસ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાથે સાથે નોંધનીય છે કે ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા.
જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. તો અમદાવાદના સપ્લાયર નીલકંઠ ટ્રેડર્સને આ મામલે સીલ મારવામાં આવ્યું છે.
મોહિની કેટરસે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું.
સાથે સાથે માઈ ભક્તો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે અંબાજી મંદિર પ્રશાસન દ્વારા નક્કર કાર્યવાહી કરાય તો માઈ ભક્તો ના સ્વાસ્થ્ય સાથે થતી છેતરપિંડી અટકે.