કેનેડા પોલીસે ખાલિસ્તાન સમર્થક રિપુદમન સિંહ મલિકની હત્યાના મામલામાં બે લોકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 15 જુલાઈના રોજ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
21 વર્ષીય આરોપી ટેનર ફોક્સને એબોટ્સફોર્ડથી અને 23 વર્ષના જોસ લોપેઝની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગતરોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં મીડિયાને આ માહિતી આપી હતી. મળતી માહીતી અનુસાર, પોલીસે આરોપીઓ વિશે મૌન સેવ્યું હતું. માત્ર એટલું જ કહ્યું કે બંનેની શાંતિથી ધરપકડ કરવામાં આવી છે.
રિપુદમન સિંહ મલિક અને તેના સાથી અજાયબ સિંહ બાગરીને 2005માં 1885ના કનિષ્ક પ્લેનમાં થયેલ બોમ્બ વિસ્ફોટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના એરક્રાફ્ટ પર બોમ્બ ધડાકાની આ ઘટના કેનેડા અને એરલાઈન્સના ઈતિહાસમાં સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંની એક છે.
મલિક પંજાબી મૂળના કેનેડિયન શીખ રાજકારણી અને ઉદ્યોગપતિ હતા. તે પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમ્યાન તેમનું મોત થયું હતું. રસ્તામાં બાઇક પર આવેલા યુવકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. રિપુદમન સિંહ એક સફળ કેનેડિયન બિઝનેસમેન તેમજ શીખ સંસ્થાઓના પ્રતિનિધિ હતા. તેના પર એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરીને બ્લાસ્ટ કરવાનો આરોપ હતો. આ ઘટના વર્ષ 1985ની છે. મોન્ટ્રીયલથી નવી દિલ્હી આવી રહેલા પ્લેનમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 329 મુસાફરોના મોત થયા હતા. આ કેસમાં રિપુદમન સિંહ 2005 સુધી કેનેડાની જેલમાં રહ્યા હતા અને બાદમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.