WhatsApp એક ખૂબ જ પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. આ કારણે સાયબર અપરાધીઓ આ દ્વારા યુઝર્સને નિશાન બનાવવાનો પ્રયાસ કરે છે. હવે વધુ એક વખત નવા કૌભાંડને લઈને ચેતવણી આપવામાં આવી છે. વ્હોટ્સએપ યુઝર્સને અંગત વિગતો શેર કરવાની મનાઈ છે.
આ વિગતોનો ઉપયોગ કૌભાંડીઓ પૈસા પડાવવા માટે કરી શકે છે. દિલ્હી પોલીસે આ અંગે ચેતવણી આપી છે. દિલ્હી પોલીસે આ અંગે એક ટ્વિટ શેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા અનેક છેતરપિંડીના મામલા જોવા મળી રહ્યા છે જેમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર એમટીએનએલના નામ અને લોગોનો ઉપયોગ કરીને યુઝર્સ સાથે સાયબર છેતરપિંડી કરવામાં આવી રહી છે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ યુઝર્સને સ્કેમર્સ તરફથી મેસેજ મળે છે. મેસેજ એવું બતાવવામાં આવે છે કે જાણે તે MTNL તરફથી આવ્યો હોય. આ મેસેજમાં યુઝર્સને KYC ડિટેલ્સ અપડેટ કરવાનું કહેવામાં આવે છે જેથી તેમનું સિમ કાર્ડ બ્લોક ન થાય.
આ મેસેજમાં છેતરપિંડી કરનાર યુઝરને તરત જ કોલ કરવાનું કહે છે જેથી કરીને સિમ કાર્ડ બ્લોક ન થાય. યુઝર્સને ડરાવવા માટે, તેઓ એવો પણ દાવો કરે છે કે તેમનું ઇ-કેવાયસી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને સિમ કાર્ડ 24 કલાકની અંદર બ્લોક થઈ જશે.
દિલ્હી પોલીસ આવા કૌભાંડોને લઈને એલર્ટ થઈ ગઈ છે. તેનાથી બચવાના ઉપાયો પણ યુઝર્સને જણાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, તમારી અંગત વિગતો ક્યારેય કોઈની સાથે શેર ન કરો. આ સિવાય અનવેરિફાઈડ લિંક પર ક્લિક કરશો નહીં. આ ભલે વાત દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી હોય પરંતુ આવા લેભાગું તત્વો દરેક જગ્યાએ આવી જ ટ્રિક અપનાવી લોકોને છેતરે છે.
બચવા આટલું જરુર કરો
આપ ફોન પર એવી એપ ડાઉનલોડ કરશો નહીં જેના વિશે તમને ખબર નથી. MTNL WhatsApp દ્વારા KYC વેરિફિકેશન કરતું નથી. આ કારણે આવા મેસેજનો જવાબ ન આપો. સાયબર ફ્રોડના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અથવા 1930 પર કૉલ કરો.