બારડોલી : બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયતનો માજી સરપંચ અને વર્તમાન સભ્ય વિદેશી દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના હાથે પકડાતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તેની પાસેથી 26 હજાર 255 રૂપિયાનો વિદેશી દારૂ સહિત કુલ 39 હજાર 775 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. બાતમીના આધારે ટીમે બારડોલી ટાઉન પોલીસ અંતર્ગત આવતા તેન ગામે નવા હળપતિવાસમાં રમેશભાઈ લાલભાઈ રાઠોડના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને 236 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 26 હજાર 255 મળી આવ્યો હતો. પોલીસે રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારૂ ઉપરાંત દારૂ વેચાણના રોકડા રૂ. 8 હજાર 520, એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ 39 હજાર 775 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે દારૂનો જથ્થો પુરો પાડનાર ચિખલીના રાજુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી રમેશ રાઠોડ તેન ગામનો સરપંચ રહી ચૂક્યો છે અને હાલમાં તે ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો છે.