બારડોલી: બારડોલી તાલુકાનાં માણેકપોર ગામ નજીકથી સુરત વિભાગની પ્રોહિબિશન ડ્રાઇવની ટીમે પીકઅપ વાનમાંથી 1.11 લાખના વિદેશી દારૂ સાથે એક એકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ સહિત કુલ 8.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત વિભાગની પ્રોહિબિશન ડ્રાઇવની ટીમે બાતમીના આધારે બારડોલી તાલુકાનાં માણેકપોર ગામે વ્યારાથી બારડોલી તરફ જતાં રોડ પર એક પિકઅપ વાનને રોકી તલાશી લેતા તેમાંથી પોલીસને 984 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 1 લાખ 11 હજાર 600 હોવાનું જણાવ્યુ હતું. પોલીસે પિક ચાલક જીતેન્દ્ર ઉર્ફે ભૈયા લાલામણિ સોનવણે (રહે ધુલે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. જ્યારે માલ ભરાવી આપનાર સંદીપ ઉર્ફે મુન્ના શરદ ઠાકરેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત એક ખાલી ટાંકી કિંમત રૂ. 3 હજાર, એક ખાટલો કિંમત રૂ. 500, મહિન્દ્રા કંપની પીકઅપ વાન ગાડી કિંમત રૂ. 7.50 લાખ અને એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ 8 લાખ 70 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસની હદમાંથી બહારની પોલીસ દારૂ પકડાતાં સ્થાનિક પોલીસની કામગીરીના ધજાગરા ઊડ્યાં હતા.