ચાંગાસ્થિત ચરોતર ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સીટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરપી (ARIP) ના શૈક્ષણિક વર્ષ 2022-2023ના માસ્ટર ઓફ ફિઝિયોથેરપી (MPT)ના પ્રથમ સેમિસ્ટરના વિદ્યાર્થીઓનો દીક્ષારંભ- સ્ટુડન્ટ ઇન્ડકશન પ્રોગ્રામ (SIP) તાજેતરમાં ચારુસેટ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સેમિસ્ટરના માસ્ટર ઓફ ફિઝિયોથેરપીના વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો.
ઉજવણીનો આરંભ ઉદ્ઘાટન સમારોહથી થયો હતો. પ્રાર્થના પછી મુખ્ય અતિથિ અને ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ARIPમાં ફિઝિયોથેરાપીનો માસ્ટર ડિગ્રી કોર્સ કરવા માટે ચારૂસેટમાં આવેલા MPTના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડૉ. આર.વી. ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને તેઓને પોતાનું શ્રેષ્ઠ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માત્ર એક સારા ફિઝિયોથેરાપિસ્ટ જ નહીં પરંતુ વિવિધ તકો, તાલીમ અને એક્સપોઝર પ્રાપ્ત થાય છે તેનો સદુપયોગ કરીને એક સારા વ્યક્તિ બનવા માટે પ્રેરિત કર્યા હતા. ARIPના પ્રિન્સિપાલ ડૉ. એમ. બાલગણપતિએ MPT પ્રોગ્રામનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમણે MPTનો અભ્યાસ કરવા માટે ગુજરાતની શ્રેષ્ઠ કોલેજોમાંની એક ARIPની પસંદગી કરવા બદલ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી અને વચન આપ્યું હતું કે અમારી સંસ્થા ફિઝિયોથેરાપીમાં શ્રેષ્ઠ શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાની તમારી અપેક્ષાઓ અનુસાર કામ કરશે.
વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ARIPમાં અભ્યાસ કરવાના તેમના અનુભવો વ્યકત કર્યા હતા. વિદ્યાર્થીઓને સંસ્થાના વિવિધ વિભાગો અને પ્રયોગશાળાઓની સુવિધાઓ, કાર્ય સંસ્કૃતિ વિશે ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું અને ARIPના વિવિધ વિભાગોના વડાઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓને પરીક્ષા પેટર્નનો પરિચય કરાવવામાં આવ્યો હતો. શરૂઆતનો પ્રથમ દિવસ મનોરંજક રમતો સાથે સમાપ્ત થયો હતો.
ઉજવણીના બીજા દિવસે વિદ્યાર્થીઓને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને ARIP અને ચારુસેટમાં ઉજવવામાં આવતા વિવિધ કાર્યકમો વિશે ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું, તેઓને MPT પ્રોગ્રામની સેમેસ્ટર સિસ્ટમ અને ચોઇસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ પ્રોગ્રામ (CBCS) માટે પણ ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું, જે ફિઝિયોથેરાપી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ છે. તેઓને સંસ્થા તેમજ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ મુખ્ય અભ્યાસક્રમો અને વૈકલ્પિક અભ્યાસક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. મનોરંજક રમતો સાથે બીજો દિવસ પૂર્ણ થયો હતો. અંતે વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન ફેકલ્ટી ડૉ. વૈભવી અમીન અને ડૉ. દીક્ષા ચંદ્રવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.