વરિષ્ઠ વડિલો માટે અમલી શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા ફેરફાર અંતર્ગત ૭૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક એટેન્ડન્ટને તે ૬૦ વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઈ શકતા હતાં, તેમાં સુધારો કરીને હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે.
પૂર્ણેશ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૩૦ વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણાતી હતી, તેના સ્થાને હવે ઓછામાં ઓછા ૨૭ વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણી લાભ આપવામાં આવશે. તેમજ એસ.ટી. ની સુપર બસ (નોન એ.સી.)/એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.) અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની ૫૦% રકમની સહાય મળતી હતી, જે હવે બસના ભાડાની સહાય ઉપરાંત અન્ય સગવડો જેવી કે, ભોજન તેમજ રોકાણની સુવિધા માટે યાત્રાના દિવસ મુજબ વ્યક્તિદીઠ અમુક ઉચ્ચક રકમની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જો વ્યક્તિ આધારકાર્ડની સ્વયં પ્રમાણિત નકલ રજુ કરેલ હોય તો તેને બે પાસપોર્ટ સાઈઝના ફોટા રજુ કરવાની જરૂરીયાત રહેશે નહીં તેમ અગાઉ ઠરાવવામાં આવ્યું હતું પરંતુ હવે લાભાર્થીએ આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ એસ.ટી. ડેપો ખાતેથી શ્રવણ તીર્થ દર્શન યોજના અંગેની એસ. ટી. નિગમ અથવા માન્ય ખાનગી ટ્રાવેલ્સની બસો મારફતે અરજી એસ.ટી. ડેપો ખાતેથી સ્વીકારવામાં આવતી હતી, જેમાં ડેપો મેનેજરે આ અરજીઓની ચકાસણી કરતા હતાં અને પ્રવાસ પૂર્ણ થયા બાદ આ અંગેની દરખાસ્ત સંપૂર્ણ વિગત સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલતા હતાં, જેના પેટે એસ.ટી.ના ડેપો મેનેજરને એસ.ટી.ની કે ખાનગી ટ્રાવેલ્સની બસ હોય તે પ્રત્યેક બસ દીઠ રૂ.૫૦૦ (અંકે રૂપિયા પાંચસો પૂરા)ની પ્રોત્સાહક રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચૂકવવામાં આવતી હતી. જેના બદલે હવે ગુજરાત વાહન વ્યવહાર નિગમની ૧૬ વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરવામાં આવશે, જે એસ.ટી/ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારશે તેને મંજૂરી માટે બોર્ડ ખાતે મોકલાવશે. પ્રત્યેક બસ દીઠ રૂપિયા ૫૦૦ ની પ્રોત્સાહક રકમ ગ્રુપ લીડર/કો-ઓર્ડીનેટર/તલાટી/સરપંચ/પ્રોજેક્ટ આસિસ્ટન્ટને ચૂકવવામાં આવશે, આમ રોજગારની નવી તકો પૂરી પાડવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ-મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકડામણના કારણે ધર્મ સ્થળોના પ્રવાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વૃધ્ધ વરિષ્ઠ નાગરિકો રાહત દરે યાત્રાધામોના દર્શન કરી શકે તે માટે અમલમાં મુકાઈ છે. સમગ્ર દેશમાં આ પ્રકારની યોજના સૌ પ્રથમ ગુજરાતમાં શરૂ કરાઇ છે ત્યારે આ યોજનાનો વધુને વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.