છેલ્લા 4 મહિનાથી સતત ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બે દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ તેના કારણે ત્યાંના લોકો પીડાઈ રહ્યા છે.
ખાસ કરીને યુક્રેનના લોકો. યુક્રેનમાં બધું બરબાદ થઈ ગયું છે. રહેવા માટે ઘર નથી, સારવાર માટે હોસ્પિટલ નથી. લાખો લોકો બેઘર બની ગયા છે, પરંતુ યુદ્ધનું પરિણામ નથી મળતું.
બંનેમાંથી કોઈ પણ દેશ હાર સ્વીકારવા અને યુદ્ધ રોકવા તૈયાર નથી. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. તેણે પશ્ચિમી દેશોને સીધા જ યુદ્ધમાં સામેલ થવા માટે પડકાર ફેંક્યો છે.
પુતિને કહ્યું- જો પશ્ચિમી દેશો યુક્રેનને સમર્થન આપવા માંગતા હોય તો અમારી વિરુદ્ધ યુદ્ધમાં જોડાઓ. જોકે, પુતિન 24 ફેબ્રુઆરીથી યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા હુમલાને સૈન્ય કાર્યવાહી ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હજુ સુધી હુમલો શરૂ થયો નથી.
પશ્ચિમી દેશો સામે નારાજગી વ્યક્ત કરતા પુતિને કહ્યું- રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુક્રેન સાથે શાંતિ માટે વાતચીત કરવી મુશ્કેલ બની રહી છે. દખલગીરી વધશે,તેમ શાંતિ જાળવવી વધુ મુશ્કેલ બનશે, પુતિને યુક્રેનના સામાન્ય નાગરિકો પ્રત્યે સંવેદના પણ દર્શાવી હતી.
પુતિને કહ્યું હતું કે, “પશ્ચિમના દેશો યુક્રેનના લોકોને લડવા માટે દબાણ કરી રહ્યા છે, પોતે યુદ્ધમાં સામેલ નથી.” તેમણે યુક્રેન સામેના યુદ્ધમાં શાંતિ તરફ પણ ધ્યાન દોર્યું. આ સાથે તેમણે પશ્ચિમી દેશોને પણ ચેતવણી આપી હતી.
પુતિને કહ્યું- અમે શાંતિના વિરોધમાં નથી, પરંતુ જે લોકો તેની વિરુદ્ધ છે તેમણે જાણવું જોઈએ કે પશ્ચિમી દેશોની દખલગીરી જેટલી વધશે તેટલી જ શાંતિ જાળવી રાખવી મુશ્કેલ બનશે.