જ્યારથી તાતા ગ્રુપે સરકારી કંપની એર ઇન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી નવી ભરતીનો દોર શરૂ થયો છે. આ સાથે જ જમીન પર આવી ચૂકેલી જેટ એરવેઝ ફરી એકવાર ઉડાન શરૂ કરવાની તૈયારીમાં છે. બીજી તરફ બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની એવિએશન કંપની આકાસા પણ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. તેને કારણે હવે ભારતમાં અચાનક જ પાયલટોની અછત સર્જાઇ છે. આ વચ્ચે હવે વધુ એક એવિએશન કંપની મેદાનમાં ઝંપલાવી રહી છે. તેનું નામ છે પ્રધાન એર એક્સપ્રેસ. તે કાર્ગો એરલાઇન હશે.
સરકાર પાસેથી NOC મળ્યું
દિલ્હી સ્થિત પ્રધાન એર તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર એવિએશન કંપનીને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી એનઓસી મળી ચૂક્યું છે. હવે ઉડાન શરૂ કરવાની તૈયારીમાં છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કંપની પોતાની ફ્લાઇટ સેવા શરૂ કરશે. કંપની પાસે આગામી મહિના સુધી એક કંવર્ટેડ ફ્રેટર એરક્રાફ્ટની ડિલીવરી થઇ જશે.
દુનિયાના પહેલા કંવર્ટેડ ફ્રેટરનો ઉપયોગ થશે
પ્રધાન એર એક્સપ્રેસના સંસ્થાપક તેમજ સીઇઓ નિપુણ આનંદનું કહેવું છે કે, તેઓ દુનિયાના પહેલા કંવર્ટેડ ફ્રેટર A320નો ઉપયોગ કરશે. આ વિમાનું કંવર્ઝન એરબસ અને એસટી એન્જિનિયરિંગના સંયુક્ત સાહસ Elbe Flugzeugwerke (EFW) દ્વારા કરવામાં આવ્યું છે. તેના સિંગાપુર સ્થિત કંપનીના પ્લાન્ટમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. આ સમયે પ્રધાન એરે આ વિમાનને Vaayu Group/ Astral Aviationથી લીઝ પર લીધુ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાન એર એક્સપ્રેસ ભારતની એવી પ્રથમ એરલાઇન હશે જે એરબસના નેરો બોડી ફ્રેટર Airbus narrow-body freighterનો ઉપયોગ કરશે. આ વિમાન આ મહિને દિલ્હી આવે તેવી સંભાવના છે.