ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી છે. વનડે શ્રેણી માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હશે. આ દરમિયાન ટીમ ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે ધવન આ પહેલા પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેણે ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. તે પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ હતા. ટીમ ઈન્ડિયાને નવો વાઈસ કેપ્ટન પણ મળ્યો છે.
રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ODI ટીમના વાઇસ કેપ્ટન હશે. તેમને પ્રથમ વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. જો કે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. વનડે શ્રેણી માટે ભારતીય ટીમ : શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકેટર), સંજુ સેમસન (વિકેટે), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર. ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ. રોહિત-વિરાટ સહિતના સિનિયર ખેલાડીઓને મળ્યો આરામ : BCCIએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ODI શ્રેણી માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો છે.
નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓ 12 જુલાઈથી 17 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં છે. શુભમન ગિલ, દીપક હુડ્ડા, સંજુ સેમસન (વિકેટકીપર), અવેશ ખાનની ODI ટીમમાં વાપસી થઈ છે. આ શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડ અને અવેશ ખાન વનડેમાં ડેબ્યૂ કરી શકે છે. શુભમન ગિલ ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ODI મેચ રમ્યો હતો. તેણે ત્રણ વનડેમાં કુલ 49 રન બનાવ્યા છે. દીપક હુડ્ડાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ જ શ્રેણીમાં તેણે તેની છેલ્લી વનડે મેચ પણ રમી હતી. સેમસને ગયા વર્ષે જુલાઈ મહિનામાં શ્રીલંકા સામે ભારત માટે એકમાત્ર વનડે મેચ રમી હતી. *વેસ્ટ ઈન્ડિઝ vs ભારત ODI શ્રેણી શેડ્યૂલ* 1લી ODI: ક્વીન્સ પાર્ક ઓવલ, 22 જુલાઈ, 2જી ODI: ક્વિન્સ પાર્ક ઓવલ, 24 જુલાઈ, ત્રીજી ODI: ક્વીન્સ પાર્ક ઓવલ, 27 જુલાઈ. *વેસ્ટ ઈન્ડિઝ વિ ભારત T20 સિરીઝ શેડ્યૂલ* 1લી T20I: ત્રિનિદાદ, 29 જુલાઈ, બીજી T20: સેન્ટ કિટ્સ, 1 ઓગસ્ટ, ત્રીજી T20: સેન્ટ કિટ્સ, 2 ઓગસ્ટ, 4થી T20: લોડરહિલ, ફ્લોરિડા, 6 ઓગસ્ટ, પાંચમી T20: લોડરહિલ, ફ્લોરિડા, 7 ઓગસ્ટ.