કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી વધુ એક મોટી ભેટ મળી શકે છે. આ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં પાંચ ટકાનો વધારો થઇ શકે છે. સરકાર આ મહિને તેની જાહેરાત કરી શકે છે. જો 5 ટકાનો વધારો કરાશે તો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ હાલના 34 ટકાથી વધીને 39 ટકા સુધી પહોંચી જશે. તે ઉપરાંત તેઓના ફીટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો થઇ શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે ત્યારે હવે તે 2.57 ટકાથી વધીને 3.68 ટકા થઇ શકે છે. સરકાર આ માંગ સ્વીકારશે તો કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઇ જશે.
આપને જણાવી દઇએ કે સરકાર ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધાર પર વર્ષમાં બે વાર પોતાના કર્મચારીઓનું ડીએ નક્કી કરી છે. જાન્યુઆરી મહિનામાં ડીએમાં 3 ટકાનો વધારો કરાયો હતો જે બાદ ડીએ વધીને 34 ટકા થયું હતું. હવે જો તેમાં વધુ 5 ટકાનો વધારો થશે તો તે 39 ટકા પર પહોંચી જશે. તેનાથી 1.16 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થશે.
આટલો વધી જશે પગાર
અત્યારે જો કોઇ કર્મચારીની બેઝિક સેલેરી 18000 રૂપિયા છે તો 34 ટકાના હિસાબથી 6,120 રૂપિયા ડીએ મળે છે. જો ડીએ વધીને 39 ટકા થાય છે તો કર્મચારીને મોંઘવારી ભથ્થા તરીકે 7,020 રૂપિયા મળશે. એટલે કે ડીએમાં 900 રૂપિયા વધુ મળશે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને 18 મહિના એટલે કે 1, જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 વચ્ચે ડીએની ચૂકવણી કરી નથી. કર્મચારીઓ લાંબા સમયથી આ ચૂકવણીની માંગણી કરી રહ્યાં છે.
ડીએ વધવાથી આ પણ ફાયદા
કેન્દ્ર સરકાર દ્વારા ડીએ વધારવામાં આવે તો તેનાથી કર્મચારીના પીએફ તેમજ ગ્રેચ્યુઅટી કન્ટ્રીબ્યુશનમાં પણ વધારો થાય છે. તેનું કારણ એ છે કે તે કર્મચારીની બેસિક સેલેરી અને ડીએમાંથી કપાય છે. ડીએ વધવાથી કર્મચારીઓના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને સિટી એલાઉન્સ વધવાનો માર્ગ પણ મોકળો બનશે.