નવી દિલ્હીઃ RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે જો ભારત સુધારાત્મક પગલાં નહીં ભરે તો દેશનો વિકાસ ધીમો પડી શકે છે. તેમણે કહ્યું છે કે ભારત ભલે $3 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની શકે પરંતુ ચીનની અર્થવ્યવસ્થાને પછાડવા માટે તેને લાંબી મજલ કાપવાની છે. તેમણે કહ્યું કે ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા 5 ગણી મોટી છે.
રઘુરામ રાજન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં સુધારાને લઈને ઘણી વખત રાજકીય મતભેદો શરૂ થાય છે, જે દેશના વિકાસને ધીમો પાડી શકે છે. રાજનના મતે દેશમાં વિકાસની ગતિ વધારવા માટે રસ્તાઓ શોધવા પડશે.
સરકાર અર્થતંત્રમાં સુધારાનો પ્રયાસ કરી રહી છે
રઘુરામ રાજને કહ્યું કે હાલમાં દેશમાં સુધારા માટે સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ કમનસીબે આ સુધારાઓ પર કોઈ વ્યાપક સર્વસંમતિ નથી. કૃષિ કાયદાઓનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે મહિનાઓના આંદોલન પછી આખરે સરકારે તેને પાછો ખેંચવો પડ્યો. ઉલ્લેખનીય છે કે, 19 નવેમ્બરે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો હતો. તેમણે કહ્યું કે સરકારે બેન્કિંગ સેક્ટરમાં વધુ સારા સુધારા કરવા જોઈએ. રાજનના મતે બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે આ યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાને આગળ લઈ જવાને બદલે બેંકો તેમના રસ્તામાં ઉભી જોવા મળે છે.
આર્થિક વૃદ્ધિ કેવી રીતે થશે
રઘુરામ રાજને કહ્યું છે કે નાણાકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી 8.7 ટકાના દરે વધવાની ધારણા છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે આ દર પણ ઊંચો છે કારણ કે તેનો આધાર ઘણો ઓછો છે. નાણાકીય વર્ષ 2021માં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતનો વિકાસ દર મધ્યમ ગાળામાં ઘટીને 6 ટકાની આસપાસ રહેવાની ધારણા છે.
નીચલા મધ્યમ વર્ગની નબળી સ્થિતિ
રઘુરામ રાજને કહ્યું છે કે મહામારી દરમિયાન ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોએ કામ બંધ કર્યું ન હતું, તેથી તેમની સ્થિતિમાં ઘણો સુધારો થયો હતો, પરંતુ નિમ્ન મધ્યમ વર્ગના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ગમાં બેરોજગારીનો મોટો દર મોટી સમસ્યા છે.