ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઇ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ભારતને આ સ્થિતિમાં પહોચાડવામાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાનું મહત્વનું યોગદાન રહ્યુ છે. બન્નેએ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતને એક સારા સ્કોર સુધી પહોચાડ્યુ હતુ.
પંત અને રવિન્દ્ર જાડેજાની બેટિંગની વિશ્વભરના દિગ્ગજ પ્રશંસા કરી રહ્યા છે અને હવે પૂર્વ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર એબીડી વિલિયર્સે પણ બન્નેની પ્રશંસા કરી છે. એબીડી વિલિયર્સે ટ્વીટર પર લખ્યુ હતુ, મે ઘર પર નહતો અને જેને કારણે વધુ ક્રિકેટ જોઇ ના શક્યો. હવે હાઇલાઇટ જોઇને ખતમ કરી છે. રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતે જે રીતે કાઉન્ટર એટેક કરતા ભાગીદારી કરી તે શાનદાર હતી અને આ મારા દ્વારા ટેસ્ટમાં જોવામાં આવેલી સારી ભાગીદારી છે.
પ્રથમ ઇનિંગમાં ભારતે 98 રનના સ્કોર પર જ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તે બાદ પંત અને જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ ભાગીદારી દરમિયાન પંતે આક્રમક બેટિંગ કરી હતી અને 89 બોલમાં પોતાની સદી ફટકારી હતી. પંત પ્રથમ દિવસે 111 બોલમાં 146 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો પરંતુ જાડેજા ક્રીઝ પર ઉભો રહ્યો હતો. બીજા દિવસની રમતની શરૂઆત થવા પર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. તે 104 રન બનાવીને આઉટ થયો હતો. આ બન્નેની મદદથી ભારતે પ્રથમ ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા. તે બાદ ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 284 રનમાં ઓલઆઉટ કરી નાખી હતી અને ભારતને 132 રનની લીડ મળી હતી.
ભારતે બીજી ઇનિંગમાં પણ શાનદાર રમત બતાવી હતી.ભારત તરફથી બીજી ઇનિંગમાં શુભમન ગિલ (4), ચેતેશ્વર પૂજારા 66, હનુમા વિહારી 11, વિરાટ કોહલી 20, રિષભ પંત 57, શ્રેયસ અય્યર 19 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા બીજી ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે દિવાલ બનીને ઉભો રહ્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 66 રન બનાવવા માટે 168 બોલનો સામનો કર્યો હતો આ દરમિયાન તેને 8 ફોર પણ ફટકારી હતી. બીજી તરફ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે બીજી ઇનિંગમાં પણ શાનદાર રમત રમતા અડધી સદી ફટકારી હતી.