ભારત સરકારે વિમાનમાં વપરાતા ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ) અને પેટ્રોલ-ડીઝલની નિકાસ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સપોર્ટ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે વિમાન ઇંધણની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સપોર્ટ એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી છે.
સરકારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતો વધ્યા બાદ ઓઇલ ઉત્પાદકોને થતા ફાયદાને કાબૂમાં રાખવા માટે ઘરેલુ સ્તર પર ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર પણ 23,230 રૂપિયા પ્રતિ ટનનો એકસ્ટ્રા ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે.
સામાન્ય જનતા પર શું અસર થશે?
સરકારના આ મોટા નિર્ણયની અસર સામાન્ય જનતા પર પડશે કે કેમ તેને લઇને ચારેય તરફ અટકળો થઇ રહી છે ત્યારે આ સવાલનો જવાબ સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જ છે. સરકાર દ્વારા તેને લઇને જે સૂચના જાહેર કરવામાં આવી છે તે અનુસાર આ નિર્ણયની સામાન્ય જનતા પર કોઇ અસર નહીં પડે. સરકારના આ નિર્ણયની અસર માત્રને માત્ર દેશની બહાર નિકાસ થતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર જ પડશે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ અંકુશમાં રહેવાની સંભાવના છે. વાસ્તવમાં, એક્સપોર્ટ ડ્યૂટીનો ચાર્જ વધારાયો છે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે પહેલાની તુલનામાં દેશની બહાર આ વસ્તુઓની નિકાસ કરવી વધુ ખર્ચાળ સાબિત થશે.