રાજકોટ શહેરમાં બુધવારે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી 21 વર્ષીય યુવતીનો પણ સમાવેશ થાય છે. જોકે સારી બાબત એ જોવા મળી છે કે હાલ જે નવા કેસની શરૂઆત થઈ છે. તેમાં પ્રથમ વખત નવા કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યા ખૂબ વધારે આવી છે. બુધવારે એક જ સાથે 17 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ કારણે નવા કેસ આવ્યા હોવા છતાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 59 થઈ છે જ્યારે કુલ કેસનો આંક 63877 થયો છે.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર જે નવા 12 કેસ આવ્યા છે તે પૈકી 4 લોકોએ રસીના અત્યાર સુધીમાં એક પણ ડોઝ લીધા નથી આ કારણે એ કેસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. નવા કેસના વિસ્તારોમાં જામનગર રોડ, રેસકોર્સ રોડ, 150 ફૂટ રિંગ રોડ ઓસ્કાર ટાવર, સદગુરુનગર, રણછોડનગર, કોટેચાનગર, ઘંટેશ્વર, મહાકાળી રોડ, મેઘાણીનગર, કનકનગર અને પોલીસ હેડક્વાર્ટરનો સમાવેશ થાય છે.
રાજકોટમાં હાલ ક્યારેક કેસમાં વધારો આવી જાય છે તો બે-ત્રણ દિવસ બાદ કેસની સંખ્યા ઘટી જાય છે જેથી ચોથી લહેર આવવાની શક્યતા નહીંવત છે. મોટાભાગે શહેર બહાર ગયેલા કેસ વધુ આવે છે.