એક તરફ સરકાર દેશમાં કેશલેસ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે અનેક રીતે પ્રયાસ કરી રહી છે ત્યારે હવે દેશમાં UPIની પણ બોલબાલા છે. આજે યુપીઆઇ પેમેન્ટનું મહત્વ વધ્યું છે. આ દિશામા હવે યુપીઆઇ ઓટો પે ફીચરના પ્રસાર માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બોલિવૂડના રેપર બાદશાહ સાથે કરાર કર્યા છે. આ અભિયાન કંપનીના યુપીઆઇ ચલેગા મિશનથી જોડાયેલું છે.
યુપીઆઇ ઓટો પે ફીચર કઇ રીતે કામ કરે છે?
ટૂંક સમય પહેલા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઇ ઓટો પે ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરની મદદથી દરેક યૂઝર્સ પોતાના દર મહિનાના નિશ્વિત ખર્ચને ઓટોમેટિક મોડથી પેમેન્ટ કરી શકે છે. તે અંતર્ગત દર મહિને 2,000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે. તેનાથી વધારેના પેમેન્ટ માટે યૂઝર્સે પોતાના યુપીઆઇ પિનનો ઉપયોગ કરવાનો રહેશે. આ સિસ્ટમ ડેબિટ અથા ક્રેડિટ કાર્ડના ઇએમઆઇથી કોઇ સામાનની ખરીદી પર દર મહિના તમારા ખાતામાંથી એક નક્કી રાશિ કપાય જાય છે તે રીતે જ તે કામ કરે છે.
આ ફીચરનો ઉપયોગ ક્યાં થઇ શકે
યુપીઆઇ ઓટો પે ફીચરનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા, મોબાઇલ રિચાર્જ કરવા, મેટ્રો કાર્ડ પેમેન્ટ કરવા, વીમાની રકમની ચૂકવણી કરવા અથવા કોઇપણ અન્ય ઓનલાઇન લેણદેણ માટે કરી શકાય છે.
ઓટો પે ફીચર ગેમ ચેન્જર સાબિત થશે
આ અંગે વાત કરતા NPCIના રાજીવ પીલ્લઇએ કહ્યું હતું કે, અમે સિંગર બાદશાહ સાથે આ કરારથી ખુશી અનુભવીએ છીએ. અમારું માનવું છે કે આ ઓટો પે ફીચર એક ગેમ ચેન્જર સાબિત થશે. દેશના અનેક પ્રકારના બિઝનેસમાં યુપીઆઇને પેમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં પ્રમોશન માટે બનેલું સોંગ યૂટ્યુબ અને પ્રખ્યાત મ્યુઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ ગીતને વાઇએએપીએ તૈયાર કર્યું છે. આપને જણાવી દઇએ કે રેપર બાદશાહનું વાસ્તવિક નામ આદિત્ય સિંહ સિસોદિયા છે. બાદશાહે પંજાબી ગીતો સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.