વર્ષ 2019માં રૂા. 7 કરોડના ખર્ચે ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ-1 બન્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 26 જૂને સવારે 11 વાગ્યે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂા. 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું લોકાર્પણ કરવામાં આવશે.ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રમાં તૈયાર કરવામાં આવેલ આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહે અને દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિમાં અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયોલીને મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂા. 345 લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂા. 571.33 લાખના ખર્ચે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર વિવિધ સુવિધાઓ સાથે જયારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-1 રાજય સરકારની રૂા.
703 લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.રૈયોલી-બાલાસિનોર ખાતે તેયાર કરવામાં આવેલા મ્યુઝિયમ ફેઝ-1માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યૂ, સ્કેલડાઉન કરેલા વિવિધ 25થી 30ડાયનાસોરના સ્ટેચ્યુ, 3-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, 3-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, વીઆઇપીરૂમ, ટોયલેટ બલોક, ફાયર સેફટી અને સાઇનેજીસ સહિતની સૈવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-રમાં તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ હવે ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો ઉપલબ્ધ બનાવશે.આમ, હવે રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે 2 મ્યુઝિયમનું નિર્માણ થતાં હવે વિશ્વના પ્રવાસના નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકવાની સાથે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં મહત્વનું બની રહેશે. અત્રે નોંધવું રહ્યું કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે. આમ, ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની એક અમૂલ્ય ભેટ આપી છે.