રાજ્યભરમાં આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની વડગામના મેમદપુરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 17 માં શાળા પ્રવેશોત્સવનો આજથી શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજથી આગામી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની 18000 ગામોની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં 17માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS-IPS-વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ (23, 24, 25 જૂન, 2022) શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ, સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. મહત્વપુર્ણ છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી (વર્ષ 2020-21અને 2021-22) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને વર્ષ (2019-20)માં ચક્રવાતને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું. આ દરમિયાન, દર ત્રીજી શાળામાં ક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને 24 જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવેતે સુનિશ્ચિત કરે છે. ગુજરાત સરકાર 17માં શાળા પ્રવેશોત્સવમાં 100% પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે.