કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ નિર્ણય લીધો છે કે તેની સ્વાસ્થ્ય વીમા યોજના 2022ના અંત સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. હાલમાં કર્મચારી રાજ્ય વીમા (ESIC) યોજના સંપૂર્ણ રીતે 443 જિલ્લાઓમાં અને 153 જિલ્લાઓમાં આંશિક રીતે અમલમાં છે. કુલ 148 જિલ્લા હજુ પણ આ વીમા યોજનાના દાયરાની બહાર છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ESICની 188મી બેઠકમાં દેશભરમાં તબીબી સંભાળ અને સર્વિસિ ડિલીવરી તંત્રના વિસ્તરણ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ખોલવામાં આવશે નવી ડિસ્પેન્સરી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષના અંત સુધીમાં આંશિક રીતે કવર કરવામાં આવેલ અને યોજના હેઠળ આવતા જિલ્લાઓને સંપૂર્ણ રીતે ESIC યોજનાના દાયરામાં લાવવામાં આવશે. નવી ડિસ્પેન્સરી કમ બ્રાન્ચ ઓફિસ (DCBO)ની સ્થાપના કરીને આરોગ્ય સુવિધા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય ESIC એ દેશભરમાં 100 બેડવાળી 23 નવી હોસ્પિટલો ખોલવાનો પણ નિર્ણય લીધો છે.
આ રાજ્યોમાં શરૂ થશે હોસ્પિટલ
તેમાંથી છ હોસ્પિટલ મહારાષ્ટ્રના પાલઘર, સતારા, પેન, જલગાંવ, ચાકન અને પનવેલમાં સ્થાપવામાં આવશે. હરિયાણામાં હિસાર, સોનીપત, અંબાલા અને રોહતકમાં ચાર હોસ્પિટલો ખોલવામાં આવશે. તમિલનાડુ (ચેંગલપટ્ટુ અને ઈરોડ)માં બે, ઉત્તર પ્રદેશ (મુરાદાબાદ અને ગોરખપુર)માં બે અને કર્ણાટક (તુમકુર અને ઉડુપી)માં બે હોસ્પિટલો સ્થાપવામાં આવશે.
ESIC આંધ્ર પ્રદેશમાં નેલ્લોર, છત્તીસગઢમાં બિલાસપુર, ગોવાના મુલગાંવ, ગુજરાતમાં સાણંદ, મધ્ય પ્રદેશમાં જબલપુર, ઓડિશામાં ઝારસુગુડા અને પશ્ચિમ બંગાળમાં ખડગપુરમાં એક-એક હોસ્પિટલ પણ સ્થાપશે.