આપણી ખેતી આધારિત સંસ્કૃતિ યુગો પુરાણી છે. આપણા ખેતી પ્રધાન દેશમાં અંદાજે ૨૦ કરોડ ખેડૂત પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અને ગૌપાલન સાથે સંકળાયેલા છે. મહાન આદિ ઋષિ મહર્ષિ ભારદ્વાજે ગાયની મહત્તા દર્શાવવા તેના શરીરની અંદર તેત્રીસ કોટિ દેવતાનો વાસ છે તેમ ઉલ્લેખ કરેલો છે. જો આપણે થોડા અગાઉના જમાનાની વાત કરીએ તો જેની પાસે વધારે ગાય કે પશુઓ રહેતા તેઓ વધારે ધનવાન ગણાતા. દીકરીને સાસરીયે વળાવતી વખતે ધામેણામાં ભેટ-દાન તરીકે ગાય આપવામાં આવતી. જેથી દીકરીને સાસરિયાના સુખ-દુ:ખમાં ગાયનો સથવારો રહેતો. કેટલીક જગ્યાએ ગાયના બદલે ભેસની પાડી પણ ભેટરૂપે આપવામાં આવતી. પરંતુ હવે ઘણું બધું બદલાય ગયું છે. આજે આપણી ખેતી સંસ્કૃતિમાંથી ગાય અને બળદનું મહાત્મય અનેકગણું ઘટી ગયું છે. ત્યારે આપણે ખેતીમાંથી ખોવાયેલ નંદી (બળદ) વિષે વાત કરવાના છીએ.
તમે AI એટલે Artificial Insemination એટલે કે કૃત્રિમ બીજદાન વિષે વાંચ્યું કે સાંભળ્યું જ હશે. જેમાં સારી ગુણવત્તા અને લક્ષણો ધરાવતા નંદી કે પાડાનું સીમેન (વીર્ય) લઇ ઇન્જેક્શન મારફતે ગાય-ભેંસને આપવામાં આવે છે. જેથી આપણી ઇચ્છાનુસાર લક્ષણો ધરાવતા વાછરડાં કે પાડરાં મેળવી શકાય તેવું માનવામાં આવે છે.
ભારતમાં આ AI અંદાજે ૧૫-૨૦ વર્ષથી કાર્યરત છે. જો વિદેશની વાત કરીએ તો, ત્યાં આ પદ્ધતિને ઘણી જ સફળતા મળી છે. જેના ઘણા કારણો છે. જેમકે વિદેશોમાં આપણા દેશની જેમ ખેડૂત કુટુંબ દીઠ એક-બે ગાયો કે ભેંસો નથી હોતી પરંતુ મોટા મોટા તબેલા હોય છે, જેમાં પચાસ-સોથી માંડીને પાંચસો-હજાર કે તેથી પણ વધુ ગાયો કે ભેંસો હોય છે.
તેમાં પણ પશુઓની ઉંમર મુજબ અલગ અલગ રહેવાની સુવિધા હોય છે. જેમકે કોઈ ગાય ગરમીમાં આવવાની હોય ત્યારે તેને રહેવાની અલગ સુવિધા ઉભી કરેલ હોય છે, જ્યાં તેનું AI પદ્ધતિ દ્વારા બીજદાન કરાવે છે. એ ત્યાં સરળ પ્રક્રિયા છે, જેથી તબેલાની બીજી ગાયોને ખબર પણ ન હોય અને તેનું AI સફળતાપૂર્વક થઇ જાય છે.
વિશ્વની સૌથી વધારે ભેંસો ભારતમાં છે. પરંતુ ભારતમાં તેના મોટા-મોટા તબેલા પ્રમાણમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. મોટેભાગે ખેડૂતના ઘરે એક-બે ગાય-ભેંસ હોય છે. તેમજ આખા ગામની ગાય-ભેંસની સંખ્યાના આધારે ફક્ત બે-ત્રણ નંદી કે પાડા હોય છે. જેનો ગામની ગાય/ભેસને ફળાવવા માટે તેનો ઉછેર થતો હતો. હાલ ગામડાઓ અને શહેરોના તબેલામાં સંકરણ થયેલ (એચ.એફ. કે જર્સી) પશુઓની સંખ્યા વધતી જાય છે.
ભારતમાં AI ની શરૂઆત વિશે વાત કરીએ તો, શું તમને ખબર છે કે આપણી દેશી ગાયો-ભેંસોને વિદેશી કોણે બનાવી ? શું આ કામ ખેડૂતોએ કર્યું છે ? આજે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ નંબર પર છે, પરંતુ આ પ્રથમ નંબર લાવવામાં કે મેળવવામાં AI નું ખુબ જ યોગદાન છે તેવું કહેવું કેટલા અંશે વ્યાજબી છે. અથવા AI દ્વારા જ આ થયું તે કહેવું વાજબી નથી.
આપણે ત્યાં પશુપાલનની વાત કરીએ તો તે ક્રમશઃ વધી રહ્યું છે પરંતુ ઘોડા, ઊંટ, ગધેડા વગેરેની સંખ્યા ખૂબ જ ઘટી છે. તેનું સ્થાન ગાય, ભેસ કે બકરીએ લીધું છે. પહેલા ડેરી ઉદ્યોગનો વિકાસ આટલો બધો ના હતો, જેથી મોટાભાગનું દૂધ ઘર વપરાશના ઉપયોગમાં અને વધેલ દૂધમાંથી દહીં, દુધનો માવો તથા અન્ય બનાવટમાં વપરાતું હતું. પણ હવે મોટા ભાગના વિસ્તારમાં ડેરીનો વિકાસ થતા ઘરે બનાવવામાં આવતી આ બધી બનાવટ બંધ થઇ અથવા તો નહિવત થઇ ગઈ. હાલ મોટાભાગનું દૂધ ડેરીમાં ભરવામાં આવે છે. આથી સરકારી ચોપડે કુલ દૂધ ઉત્પાદન વધારે દેખાય છે અને પશુ પણ એટલા જ વધ્યા છે.
એક સર્વે પ્રમાણે વર્ષ ૨૦૧૨ અને તેની તુલનામાં ૨૦૧૯માં પશુવસ્તીમાં થયેલા ફેરફારની વાત કરીએ તો વર્ષ ૨૦૧૨માં ગાયો, ભેંસોની સંખ્યા અનુક્રમે ૧૯.૦૯ કરોડ અને ૧૦.૮૭ કરોડ હતી. જે વર્ષ ૨૦૧૯માં ૧૯.૨૫ કરોડ અને ૧૦.૯૮ કરોડ થવા પામી હતી. જે ગાયોની વસ્તીમાં ૦.૮૩ ટકા અને ભેંસોમાં ૧.૦૬ ટકાનો વધારો દર્શાવે છે. આ જ રીતે ઘેટાં અને બકરાંની વાત કરીએ તો વર્ષ ૨૦૧૨માં અનુક્રમે ૧૩.૫૨ કરોડ અને ૬.૫૭ કરોડની વસ્તી વર્ષ ૨૦૧૯માં ૧૪.૮૯ કરોડ અને ૭.૪૩ કરોડ થઇ એટલે કે ઘેટાંમાં ૧૦.૧૪ ટકા અને બકરાંમાં ૧૪.૧૩ ટકાનો વસ્તી વધારો થયો હતો.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં ઉપરોક્ત ૭ વર્ષમાં સૌથી વધારે વિકાસ ઘેટા અને ત્યારબાદ બકરામાં જોવા મળે છે. પરંતુ તેમાં તો AI છે જ નહિ કેમ કે તેમાં AI સફળ થતું નથી. મને લાગે છે કે ખેડૂતના અને માલધારીઓના એટલા સારા ભાગ્ય કે ઘેટાં-બકરાંમાં AI સફળ ન રહ્યું. આ વાત કહેવાનો મારો હેતુ એટલો જ કે વગર AI એ ગાય-ભેસ કરતા ઘેટાં-બકરામાં વધારે વિકાસ થયો છે.
ગાય/ભેસમાં થઈ રહેલા AI અને તેની અસર અંગે જોઈએ તો આપણે ત્યાં અગાઉ ગાય કે ભેસ ગરમીમાં આવે ત્યારે તેને આજુબાજુમાં નજીકના વિસ્તારમાં જ્યાં સારી ગુણવતાના નંદી કે પાડા હોય ત્યાં લઇ જવામાં આવતી. હવે આ એક નૈસર્ગિક ક્રિયા છે. જેમાં નંદી-પાડા દ્વારા ચોક્કસ રીતે જેતે માદા પશુની ઉતેજના ચકાસણી થતી. ઘણી વખત માદાપશુ બહારથી ગરમીમાં આવેલ દેખાતી હોય અને પશુપાલક દ્વારા તેને નર પાસે લઇ જવામાં આવે તો નંદી-પાડા દ્વારા ખબર પડી જતી કે માદા ગરમીમાં નથી. કેટલીક વખત માદાપશુંમાં દેખાતી ન હોય તેવી ઉતેજના પણ થતી હોય છે, જો આવા સમયે તે નર ની આજુબાજુમાં હોય તો નરપશુને જાણ થઇ જાય છે કે આ ગરમીમાં છે અને તેની સાથેના શારીરિક મિલન દ્વારા સચોટ રીતે માદા ગર્ભવતી થઇ જતી.
પરંતુ આનાથી AI માં એકદમ ઉલટું જોવા મળે છે. જ્યારથી AI આવ્યું છે ત્યારથી માદાપશું ગરમીમાં આવ્યાના લક્ષણો દેખાય એટલે પશુ ડોકટરને કૃત્રિમ બીજદાન માટે ઘરે બોલાવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ભેસમાં AI ખૂબ જ મહેનત માંગી લે તેવું કામ છે. ગાય કે ભેસને બાંધવા પડે, આજુબાજુ ચાર-પાંચ માણસો લાકડી લઇને ઉભા રહે, ત્યારે AI નું ઇન્સેક્સન લગાવી શકાય. આમાં ઉપર જણાવ્યા મુજબ માદાપશુંની ચોક્કસ ઉત્તેજના થઇ શકતી નથી. હવે જો ખરેખર ગાય કે ભેસ ગરમીમાં આવેલ ન હોય અને તેને AI નું ઇન્જેક્શન આપવામાં આવે તો તેની બીજી આડઅસર પણ થતી હશે. આવું મારું માનવું છે.
ઉપરોક્ત બાબતો આપણને સામાન્ય લાગે, પરંતુ પશુ ઉપર તેની માનસિક અસર થાય છે. કેમ કે મેં અગાઉ જણાવ્યા મુજબ આપને ત્યાં ગરમીમાં આવતા પશુ માટે અલગ વ્યવસ્થા હોતી નથી. માટે આ દ્રશ્ય આજુબાજુમાં જે બીજા પ્રાણી હોય તે જુવે છે અને તેના ડરથી તે ગરમીમાં આવતા ગભરાટ અનુભવતા પણ હશે. અગાઉ આ તેમના માટે એક કુદરતી ક્રિયા હતી, જેનો તેઓને આનંદ પણ મળતો હશે.
પરંતુ હવે AI થી ગાય અને ભેસમાં ૩ થી ૪ વેતર (વિયાણ) પછી ગરમીમાં આવવાનો અને જો ગરમીમાં આવે તો ગાભ રહેવાની તક બહુ ઓછી રહે છે. આ વાત સાંભળીને કોઈ કહેશે કે ગામમાં નંદી-પાડા તો છે જ ને, હવે તો ગાય-ભેંસને એની પાસે લઇ જાઓ. તો મારો જવાબ છે કે આ AI આવતા શુદ્ધ નસલના નંદી-પાડા કેટલાં બચ્યાં છે. અને જો હશે તો પણ જયારે ગાય કે ભેસને એક વાર AI કરાવો પછી તેની આખી કુદરતી સીસ્ટમ વિખાય જાય છે. ફરીથી અગાઉ જેટલી સક્ષમ રહેતી નથી.આ ઉપરાંત AI થી મારા ખયાલ મુજબ બિન-વર્ણનાત્મક ગાય-ભેંસની જાત વધારે પેદા થઇ છે. આજે આપણને રસ્તા પર જે રખડતી દેખાય છે તે મોટાભાગે બિન-વર્ણનાત્મક ઓલાદ છે. તેમાં વધારે ગાય હોય છે, કેમ કે ભેસના કતલખાના હોવાથી તે આપણને રસ્તા પર રઝળતી દેખાતી નથી.
આજે બ્રાઝીલમાં શુદ્ધ ગીર નસલ જોવા મળે છે. ગીરગાય એ બ્રાઝીલની સ્થાનિક ઓલાદ તો નથી, એટલે તેઓએ ધાર્યું હોત તો તેને વર્ણસંકર બનાવી શક્યા હોત પરંતુ તેઓએ તેમ ન કર્યું. મૂળ ભાવનગરની ગીરગાયથી બ્રાઝીલની ઈકોનોમી બદલાય, ત્યાની સંસદ સામે ભાવનગર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીની ભવ્ય પ્રતિમા મુકવામાં આવી. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે કોઈપણ કામ જો દીર્ધદ્રષ્ટિ વગર કરવામાં આવે તો તેની માઠી અસર થાય છે. આપણા દેશમાં પશુઓનું ધાર્મિક મહત્વ ખૂબ છે અને તેની સાથે કોઈપણ કામ કરતી વખતે તેની માનવ સામાજિક જીવન પર થતી અસર વિશે જરૂર વિચારવું પડે. મેં મારા અનુભવની વાત કરી, બની શકે કે સંવેદનારહિત વિજ્ઞાની તથ્યો અલગ પણ હોય શકે.
આપણી દેશી ગાયો તો યુગોથી માનવીને જીવન આપતી રહી છે. તો પછી તેનું સંકરણ અથવા તેમાં AI કરાવવાની શી ફરજ પડી. હવે ગામડામાં ધીમે ધીમે સારી ઓલાદ અને નંદી ખોવાઈ રહ્યા છે. તો પછી તેની સારી શુદ્ધ નસલ ક્યાંથી મેળવવી. મારા મત મુજબ આને પ્રગતિ તો ન જ કહેવાય. આપણને કોઈ વિદેશી જાણકારો કહે કે તમારી દેશી નસલની ગાય-ભેસોમાં આટલા બધા ગુણ છે, ત્યારે આપણે તેની નોધ ફક્ત આપણો કોલર ઉંચો રાખવા જ લઈએ છીએ.