Shantishram News, Diyodar, Gujarat.
વિધાનસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠા સહિતકોંગ્રેસના 19 જિલ્લા એકમોના સુકાનીઓ બદલાયા, ગુજરાતમાં વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ પણ આળસ મરડીને બેઠી થઈ રહી છે.
ખાસ કરીને કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના વિવિધ એકમોમાં નવા ઉત્સાહનો સંચાર કરી જોશ જગાવવા નૈતૃત્વ પરિવર્તનનો સાહસિક દાવ પણ અજમાવી રહ્યા છે.
તદ્દ અનુસાર, ગત ગુરુવારે મોડી સાંજે રાજ્યના 19 જેટલા જિલ્લા એકમોમાં નવા સુકાનીઓની નિયુક્તિની સત્તાવાર જાહેરાત થતાં જે તે જિલ્લા એકમોમાં પણ નવો જોશ જાગ્યો છે.
પરિવર્તનના આ દૌરમાં બનાસકાંઠા એકમને પણ નવા તરવરિયા અને યુવા સુકાની મળ્યા છે. પ્રદેશ કોંગ્રેસ મોવડીમંડળે બનાસકાંઠા કોંગ્રેસનું સુકાન વર્ષોથી પક્ષને વફાદાર રહેલા ઉત્સાહી ક્ષત્રિય અગ્રણી ભરતસિંહ વાઘેલાને સોંપાતાં આ નિર્ણયને વ્યાપક આવકાર સાંપડ્યો છે
બનાસકાંઠા કોંગ્રેસના નવનિયુક્ત સુકાની ભરતસિંહ વાઘેલા પર જિલ્લા ભરમાંથી અભિનંદનની વર્ષા સાથે શુભકામનાઓની સરવાણી રેલાઈ રહી છે.
બનાસકાંઠા કોંગ્રેસમાં વર્ષોથી ગઢવી પરિવારનો દબદબો રહ્યો છે. છેલ્લે પણ જિલ્લા કોંગ્રેસની કમાન ગઢવી પરિવારના જ દીનેશદાન ગઢવી સંભાળતા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં પણ નૈતૃત્વ પરિવર્તન કરાતાં કોંગ્રેસના પાયાના કાર્યકરો સાથે હાંસિયામાં ધકેલાઈ ગયેલા આગેવાનોએ પણ હાશકારો અનુભવ્યો છે.
બનાસકાંઠા કોંગ્રેસનું સુકાન કોંગ્રેસના વફાદાર યુવા અગ્રણી ભરતસિંહ વાઘેલાને સોંપાતા જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાવાનો આશાવાદ મજબૂત બન્યો છે.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા સુકાની ભરતસિંહ વાઘેલા દિયોદર તાલુકાના ફોરણા ગામના વતની છે. રાજવી પરિવારમાંથી આવતા ભરતસિંહ વાઘેલાના દિવંગત પિતા મફતસિંહ વાઘેલા પણ સામાજિક અને રાજકીય અગ્રણી તરીકે ખૂબ સારું વર્ચસ્વ અને અનેરી પ્રતિષ્ઠા ધરાવતા હતા.
ભરતસિંહ વાઘેલા પણ વર્ષોથી કોંગ્રેસમાં વફાદાર સૈનિક તરીકે સેવા આપી પ્રદેશ સ્તર સુધી વિવિધ જવાબદારીઓ સંભાળી ચુક્યા છે. યુવા વર્ગમાં પણ તેઓ ભારે ચાહના ધરાવે છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરતસિંહ વાઘેલાને બનાસકાંઠા કોંગ્રેસની કમાન સોંપાતા જિલ્લા ભરના કોંગ્રેસ અગ્રણીઓમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.
વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી પૂર્વે જ બનાસકાંઠા કોંગ્રેસના સુકાની બદલાતાં હવે બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસની સ્થિતિ મજબૂત બનવાનો આશાવાદ સર્જાયો છે.
જિલ્લા યુવા કોંગ્રેસના સફળ સુકાની રહી ચૂક્યા છે વાઘેલા…
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ભરતસિંહ વાઘેલા 21 વર્ષની યુવા વયે જ દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના ચૂંટાયેલ પ્રમુખ તરીકે યુવા બ્રિગેડને પણ માર્ગદર્શન આપી ચુક્યા છે.
પ્રદેશ સ્તરની જવાબદારીઓ પણ સફળ રીતે સંભાળી ચૂકેલા ભરતસિંહ વાઘેલાને બનાસકાંઠા કોંગ્રેસને ફરી ચેતનવંતી કરવાની જવાબદારી સોંપાઈ છે ત્યારે તેઓ આ નવી જવાબદારીને પણ પૂરો ન્યાય આપશે તેવો મજબૂત આશાવાદ પ્રવર્તી રહ્યો છે.
શ્રી ભરતસિંહ વાઘેલાનો સત્કાર સમારોહ દિયોદર આરામ ગૃહ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઇ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. જેમાં જિલ્લાના, તાલુકાના આગેવાનોએ તેમનું સન્માન કરેલ.
દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું ફુલહાર શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરેલ.
આ પ્રસંગે જીલ્લા ઉપપ્રમુખ બી કે જોશી, ગિરિરાજસિંહ વાઘેલા, કનુભાઈ પઢીયાર, ભરતભાઇ ઠાકોર એડવોકેટ, મફતલાલ પટેલ , સેવન્તિલાલ ઠક્કર, વાઘજીભાઈ જોશી, બળવંતજી ઠાકોર, બળદેવ બારોટ, રાજુભાઇ દેસાઈ, હેમંતભાઈ ત્રિવેદી, ડી ડી નાઈ , ગોદાબા રાજપૂત,
થરા નગરપાલિકાના પુર્વ પ્રમુખ વિનુભાઇ ઠાકોર, વિરોધપક્ષના નેતા રાકેશભાઇ ધાણધારા સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ,મિત્રો સ્નેહીજનો ઉપસ્થિત રહી રાજકીય કારકિર્દી જિલ્લા પ્રમુખ પદ તેઓનો કાર્યકાળ યશસ્વી પણે અને લોકોનો અવાજ બની આગવી ઓળખ ઉભી કરે અને સફળતાનાં શિખરો સર કરે અને કોંગ્રેસની સરકાર 2022માં બને અને તેમાં તેઓનો મહત્વનો રોલ હોય અને સફળ ઇનિંગ્સ બની રહે તેવી સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી
રાજ્યના સંગઠનમાં ર૯ ઉપપ્રમુખ, ૭પ જનરલ સેક્રેટરી, પ પ્રોટોકોલ મંત્રીનો સમાવેશ થાય છે.
વર્તમાન બનાસકાંઠા જીલ્લાના કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીને તેમજ
વાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થયેલ છે.
તેમજ થરાદ પંથકના આંબાભાઈ નાઈ, તેમજ
ડી.ડી.રાજપુત તથા કાંકરેજ ના અમરતજી ઠાકોર તથા
જીલ્લા પુર્વ પ્રમુખ જાકિરભાઇ ચૌહાણની મહામંત્રી તરીકે નિમણુંક થયેલ છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268