કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને પગલે જનજીવન ફરી ધબકતું થઇ ગયું છે. રવિવારે રક્ષાબંધનના પર્વની રાજ્યભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યોર્તિલિંગ સોમનાથમાં ૬૦ હજાર, શક્તિપીઠ અંબાજીમાં ૫૦ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત દ્વારકા, બેચરાજી, પાવાગઢ, ચોટીલામાં પણ સેંકડોે દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. પાવાગઢમાં ૧ લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. જોકે, અનેક મંદિરો, પ્રવાસન સ્થળોમાં કોવિડ ગાઇડલાઇન્સ સાવ ભૂલાવી જ દેવામાં આવી હતી. ડોક્ટરોના મતે કોરોના હજુ આપણી વચ્ચે જ છે ત્યારે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરવાની બેદરકારી આફત સર્જી શકે છે.
યાત્રાધામ અંબાજીમાં શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનની પૂનમ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઇન જોવા મળી હતી. દિવસ દરમિયાન ૪૫ હજારથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત રક્ષાબંધન પર્વનું મહત્વ હોવાથી આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આગામી ભાદરવી પૂનમ ભરાવવાની શક્યતાઓ નહિવત્ હોવાથી શ્રાવણ માસ દરમિયાન અનેક પગપાળા આવતા સંઘોએ માતાજીના શિખરે ધજાઓ ચઢાવી હતી. હજુપણ પગપાળા સંઘોનો પ્રવાહ અવિરત્ છે. ખેડબ્રહ્મા ખાતે આવેલા પૌરાણિક યાત્રાધામ અંબાજીમાં આજે દિવસ દરમિયાન ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. કેટલાક સંઘ દ્વારા ધજા પણ ચડાવાઇ હતી.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના ટ્રસ્ટ મેનેજરે જણાવ્યું કે, ‘બે વર્ષ બાદ પૂનમે આટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. માતાજી મંદિરના પાછળના ભાગમાં આવેલા ભોજનાલયમાં પણ ૧૪૦૦થી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. ‘ બેચરાજી ખાતે ૧૫ હજારથી વધુ દર્શનાર્થીઓ ઉમટયા હતા. બીજી તરફ યાત્રાધામ શામળાજી ખાતે કાળિયા ઠાકોર એવા ગદાધર વિષ્ણુભગવાનને ભાવ સ્વરૃપે સોનાની રાખડી બાંધવામાં આવી હતી અને પરંપરાગત રીતે રક્ષાબંધનનું પર્વ ઉજવાયું હતું.
શામળાજી મંદિરે ૨૫ હજારથી વધુ ભક્તો ઉમટી પડયા હતા. આ પર્વે મંદિર ટ્રસ્ટ દ્વારા રૃપિયા ૩ લાખથી વધુની ભક્તોની પ્રિય એવી લાડુની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. બીજી તરફ જ્યોર્તિલિંગ સોમનાથમાં શનિવારથી જ મોટી સંખ્યામાં જ ભક્તો ઉમટવાના શરૃ થઇ ગયા હતા. ચંદ્રદેવના દેવ એવા સોમેશ્વર મહાદેવે ચંદ્ર દેવને પ્રભાસના પાવન ક્ષેત્રે રત્નાકર તટે ક્ષય રોગમાંથી મુક્તિ અપાવી અને સોમનાથ જ્યોર્તિલિંગ સ્વરૃપે બિરાજમાન થયા. આ પાવન ક્ષેત્રે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક શૃંગારના દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા. રક્ષાબંધન નિમિત્તે સવારે ૪થી દર્શનનો પ્રારંભ થઇ ગયો હતો. રાત્રે ૧૦ સુધીમાં ૬૦ હજારથી વધુ ભક્તોએ સોમનાથ દાદાના દર્શનની ધન્યતા અનુભવી હતી.
સાપુતારા, શિવરાજપુર, ઉદેપુર, માઉન્ટ આબુ,કુંભલગઢ જેવા ફરવાના સ્થળો પણ પ્રવાસીઓથી ઉભરાઇ ગયા હતા. હજુ આગામી ૨૮ ઓગસ્ટે ચોથો શનિવાર-રવિવાર અને ત્યારબાદ સોમવારે જન્માષ્ટમી એમ ૩ દિવસ રજા હોવાથી ત્યારે પર્યટન સ્થળોએ સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે તેમ મનાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268