આતંકવાદીઓને નકલી નોટો દ્વારા ફન્ડિંગ કરવું, ભારતમાં હવાલા કારોબારને હવા આપવી, આ બધા પાકિસ્તાનના એવા ષડયંત્રો છે જે હવે જગજાહેર થઈ ચુક્યા છે. છેલ્લા અનેક વર્ષોથી પાકિસ્તનનું ISI ભારતમાં નકલી નોટોનું સપ્લાય કરી રહ્યું છે. હવે એ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જેને પાકિસ્તાને પોતાનો નવો ચહેરો બનાવ્યો છે અને તેના દ્વારા ભારતમાં મોટા પાયે નકલી નોટ મોકલવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશના સંભલનો રહેવાસી શારિક ઉર્ફે સટ્ટાને ISIએ પોતાના નવા ચહેરા તરીકે પસંદ કર્યો છે. દુબઈમાં બેસીને શારિક દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં નકલી નોટો સપ્લાય કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સંભલથી આલમ અને દિલ્હીથી ઝાકિર નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેના દ્વારા પોલીસને શારિક વિશે માહિતી મળી હતી. બંને પાસેથી 4 લાખની નકલી નોટો મળી આવી હતી અને પુછપરછ દરમિયાન તેમણે શારિકનું નામ આપ્યું હતું.
શારિક પહેલા નકલી નોટોનું આ કામ ઈકબાલ કાના સંભાળતો હતો. તે પણ ભારતમાં નકલી નોટોનો સપ્લયા કરતો હતો. તે ઉત્તર પ્રદેશના કૈરાનાનો રહેવાસી હતો અને વર્ષો પહેલા પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયો હતો. ISIએ તેને ત્યાં નકલી નોટોના કારોબારની જવાબદારી સોંપી હતી. બાદમાં બિહાર ખાતેના ટ્રેન બ્લાસ્ટની તપાસમાં સામે આવ્યું હતું કે, ISIએ તેને જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠન માટે ભારતમાંથી છોકરાઓ રિક્રૂટ કરીને ટ્રેનમાં બ્લાસ્ટ કરાવવાની જવાબદારી સોંપી હતી.
ISIને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે ભારતમાં લોકલ નેટવર્ક ધરાવતી હોય અને નકલી નોટોના કાળા કારોબારને ચલાવી શકે. શારિક ઉર્ફે સટ્ટા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લક્ઝરી ગાડીઓની ચોરીની પોતાની ગેંગ ચલાવતો હતો અને હવે તે દુબઈમાં રહીને તે લોકલ ગેંગના માણસો દ્વારા નકલી નોટોના કારોબારને આગળ ધપાવી રહ્યો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268