આજે 5 ઓગસ્ટ છે. છેલ્લા બે વર્ષોથી 5 ઓગસ્ટના દિવસે જ મોદી સરકાર ઐતિહાસિક નિર્ણયો લેતી રહી છે. એમાંય મોદી સરકારના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટની તારીખને ખૂબ જ ખાસ માનવામાં આવે, તો કોઈ નવાઈ નહીં થાય. સરકારે પોતાના બીજા કાર્યકાળના બે વર્ષોમાં પોતાના બે મોટા ચૂંટણી વાયદાને પૂર્ણ કરીને બતાવ્યા છે. 5 ઓગસ્ટ, 2019 અને 5 ઓગસ્ટ, 2020ના રોજ ભાજપે વિરોધીઓને નજરઅંદાજ કરીને પોતાના બે મોટા વાયદા પૂરા કરીને નવા ભારતનો પાયો નાંખ્યો હતો.
5 ઓગસ્ટ, 2019ના રોજ ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને આર્ટીકલ 35-Aને નાબૂદ કરવાનું એલાન કર્યું હતું. જે પછીના બીજા વર્ષે 5મીં ઓગસ્ટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણનો પાયો નાંખીને પોતાના વિરોધીઓને પણ એક સંદેશ આપી દીધો.
કદાચ આજ કારણ છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, 5 ઓગસ્ટની પવિત્ર તારીખ ભાજપ માટે અનેક અર્થમાં મહત્વપૂર્ણ છે. છેલ્લા બે વર્ષના આ મહત્વપૂર્ણ નિર્ણયો બાદ આ વર્ષે 5મીં ઓગસ્ટે સંસદનું મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે. એવામાં સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે, શું આજે પણ ભાજપ સરકાર કોઈ મોટો નિર્ણય લેશે, જે એક વખત ફરીથી ભારતનું ભવિષ્ય નક્કી કરશે?
રાજનીતિના જાણકારોના જણાવ્યા મુજબ, ભાજપની સ્થાપના થઈ, ત્યારથી તેના ત્રણ મોટા સપના રહ્યાં છે. ભાજપ આ ત્રણ વાયદા પૂરા કરવાના નામ પર અત્યાર સુધી દેશની તમામ ચૂંટણીઓ લડતી આવી છે અને જીતતી રહી છે. જેમાં પ્રથમ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવો, રામ મંદિરનું નિર્માણ કરવું ત્રીજી સમાન નાગરિક સંહિતાનો કાયદો લાવવો.
જો કે એ પણ હકીકત છે કે, મોદી સરકાર પોતાના પ્રથમ કાર્યકાળમાં ઉપરના ત્રણમાંથી એક પણ વાયદાને પૂરા કરી શકી નહતી. જ્યારે વર્ષ 2019માં અગાઉ કરતાં વધુ બેઠકો પર જીત મેળવીને પ્રચંડ બહુમતી સાથે ભાજપ સત્તામાં પરત ફર્યું, ત્યારે આવતાની સાથે જ પાર્ટીએ પોતાના બે વાયદાને પૂરા કરી દીધા.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ બન્ને નિર્ણયો 5મીં ઓગસ્ટના રોજ જ લેવામાં આવ્યા હતા. આથી આપણે કહી શકીએ કે, 5મીં ઓગસ્ટના દિવસે જ ભાજપ સરકાર પોતાના રાજનીતિક અને વેચારિક એજન્ડા સાથે સંકળાયેલા નિર્ણયો લે છે. જો કે હજુ પણ દેશમાં તમામ નાગરિકો માટે એક સમાન કાયદાનો ત્રીજો વાયદો ભાજપ પૂરો કરી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની અનેક કોર્ટે દ્વારા કોમન સિવિલ કોડ હોવા અંગેની ભલામણ કરવામાં આવી ચૂકી છે. એવામાં એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મોદી સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભો કોઈ મોટી જાહેરાત કરી શકે છે.